December 23, 2024

ઘોઘાના ગરીબપુર ગામે 40થી વધુ ઘેટાં-બકરાનાં શંકાસ્પદ મોત

ભાવનગરઃ ઘોઘાના ગરીબપુર ગામે 40થી વધુ ઘેટાં-બકરાનાં મોત નીપજ્યા છે. એકાએક 40થી વધુ ઘેટાં-બકરાનાં શંકાસ્પદ હાલતમાં મોત નીપજતા હાહાકાર મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે, મોતનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.

લાલાભાઈ નામના માલિકનાં 39 ઘેટાં અને 2 બકરાનાં શંકાસ્પદ મોત નીપજ્યા છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ તંત્ર દોડતું થયું હતું. મોતની ઘટનાને લઈ હાલ પશુપાલન આરોગ્યની ટિમ ઘટનાસ્થળે પહોંચી છે અને આ સમગ્ર મામલે પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

તબીબો દ્વારા મૃત ઘેટાં-બકરાનાં પોસ્ટમોર્ટમની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારબાદ રિપોર્ટને આધારે જાણ થશે કે 40થી વધુ ઘેટાં-બકરાનાં મોતનું કારણ જાણવા મળશે. આ ઘટનાની જાણ થતાં ધારાસભ્ય પરસોત્તમભાઈ સોલંકીના કાર્યકરોએ પશુપાલકની મુલાકાત લીધી હતી. ધારાસભ્ય દ્વારા તાકીદે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગરમાં વીજળી પડતા 30થી વધુ બકરાનાં મોત
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ગામના ભેટ ગામની સીમમાં મોડી રાતે વીજળી પડવાની ઘટના બની હતી અને તેમાં ઘણાં બકરાંઓ મોતને ભેટ્યા છે. મળતી માહિતી પ્રમાણે, મૂળીના ભેટ ગામની સીમમાં મોડી રાત્રે વાડામાં વીજળી પડી હતી. જેમાં અંદાજે 30થી વધુ બકરાંઓના મોત નીપજ્યા છે. પશુપાલક રામુબેન ગમારાના બકરાંઓ વાડામાં હતા તે દરમિયાન વીજળી પડી હતી. મોટી સંખ્યામાં બકરાંઓના વીજળી પડવાથી મોત નીપજતાં પશુમાલિક સહિત માલધારીઓમાં શોકની લાગણી ફેલાઈ છે.