December 19, 2024

Bhavnagar : વાળુકડ ગામે લૂંટ વિથ મર્ડર કેસમાં મુખ્ય આરોપી સહિત પાંચની ધરપકડ

BHAVNAGAR - NEWSCAPITAL

ભાવનગરના વાળુકડ ગામે યુવકની હત્યા કરી 1.10 કરોડની લૂંટ કરનાર પાંચ શખ્સોને પોલીસ ઝડપી પાડ્યા છે. સુરત રહેતા પિતા પુત્રોને જમીન ખરીદી માટે બોલાવી છ શખ્સોએ પિતા પુત્રોને ઢોરમાર મારતા એક યુવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે હત્યા બાદ હત્યારાઓ રોકડ રૂપિયાની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. જેમાં પોલીસે મુખ્ય સૂત્રધાર પિતા પુત્ર સહિત પાંચ શખ્સોને રોકડ 1.10 કરોડ સાથે ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

જમીન ખરીદવાને બહાને ભાવનગર બોલાવ્યા 

મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના સમઢીયાળા ગામના વતની અને હાલ સુરત ખાતે સ્થાઈ થયેલા તુલસીભાઈ સવજીભાઈ લાઠીયા 25 વર્ષથી ભાવનગર જિલ્લાના વાળુકડ ગામના વતની લાભુભાઈ સવાણી સાથે ભાગીદારીમાં જમીન લે-વેચનો વ્યવસાય કરતા હતા. જેમાં કોઈ જમીનના સોદામાં પૈસાની લેવડ દેવડમાં વિવાદ થતાં લાભુભાઈ સવાણીને તુલસીભાઈ લાઠીયા સાથે બોલાચાલી થઈ હતી. આ બનાવની દાઝ રાખી તેનો બદલો લેવાની દાનતથી લાભુભાઈ સવાણીએ ભાવનગરના વાળુકડ ગામે જમીન ખરીદવા અંગે વાત કરી હતી. જેનો સોદો પાર પાડવા બાના પેટે 1.10 કરોડ લઈ તુલસીભાઈ લાઠીયાને વાળુકડ ગામે બોલાવ્યા હતા. તુલસીભાઈ લાઠીયા તેમના બે પુત્રો વિપુલ લાઠીયા અને નિલેશ લાઠીયાને સાથે રાખી રૂપિયા ગણવાનું મશીન અને 1.10 કરોડની રોકડ સાથે વાળુકડ ગામે પહોંચ્યા હતા.BHAVNAGAR - NEWSCAPITAL હત્યા બાદ 1.10 કરોડની રોકડ ઝૂંટવી ફરાર 

લાભુભાઈ સવાણીના ઘરે ભોજન લીધા બાદ વાડી જોવાના બહાને તેઓ તુલસીભાઈ લાઠીયા અને તેમના પુત્રોને વાડીએ લઈ ગયા હતા. જ્યાં વાતચીત દરમિયાન લાભુભાઈ સવાણીએ જૂની લેવડ દેવડ બાબતે તુલસી લાઠીયા સાથે બોલાચાલી કરી હતી. ત્યાર બાદ લાભુભાઈ સવાણીના આર્મીમેન પુત્ર દર્શન સવાણીએ ફોન કરી અન્ય ચાર શખ્સોને વાડીએ બોલાવ્યા હતા. ત્યાર બાદ લાભુ સવાણી, દર્શન સવાણી અને અન્ય ચાર શખ્સોએ તુલસી લાઠીયા અને તેમના પુત્રો વિપુલ અને નિલેશને બાંધી ઢોરમાર માર્યો હતો. આ ઘટનામાં તુલસીભાઈ લાઠીયાના મોટા પુત્ર વિપુલ લાઠીયાનું સ્થળ પર મોત નીપજ્યું હતું. હત્યા બાદ હત્યારા પિતા પુત્ર સહિત તમામ શખ્સો રૂપિયા ગણવાનું મશીન અને 1.10 કરોડની રોકડ ઝૂંટવી ફરાર થઇ ગયા હતા.

આ પણ વાંચો : PM નરેન્દ્ર મોદી ગુજરાત આવશે, આ કાર્યક્રમોમાં આપશે હાજરી 

મુખ્ય આરોપી સહિત પાંચની ધરપકડ 

પુત્રની હત્યા અંગે તુલસી લાઠીયાએ વરતેજ પોલીસ મથકમાં આરોપીઓ વિરુદ્ધ લૂંટ અને હત્યા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે અલગ અલગ ટિમો બનાવી ફરાર આરોપીઓને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં તપાસ દરમ્યાન પોલીસે છ પૈકી ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓની આગવી ઢબે પૂછપરછ કરતા મુખ્ય સૂત્રધાર પિતા પુત્રની ભાળ મળતા પોલીસે લાભુ સવાણી અને આર્મીમેન પુત્ર દર્શન સવાણીની રૂપિયા ગણવાના મશીન તેમજ 1.10 કરોડની રોકડ સાથે બંનેની ધરપકડ કરી હતી. વરતેજ પોલીસે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.