September 20, 2024

ભાવનગરમાં ફાયર વિભાગનું બિલ્ડિંગ નબળું, રિપોર્ટ કમિશનરને સોંપાયો

ભૌમિક સિધ્ધપુરા, ભાવનગરઃ શહેરમાં ભ્રષ્ટાચારે ચારેકોર ભરડો લીધો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, ફાયર સ્ટેશન પાસે જ ફાયર વિભાગના કર્મચારીઓ માટે પાંચ માળનું બિલ્ડિંગ 3.34 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહ્યું છે. તેમાં ઓડિટ વિભાગના રિપોર્ટમાં બિલ્ડિંગનું બાંધકામ નબળું થયું હોવાનું સાબિત થયું છે. જેનો રિપોર્ટ પણ કમિશનરને સોંપી દેવામાં આવ્યો છે. જો કે, જ્યારે બાંધકામ થતું હતું. ત્યારે બિલ્ડિંગ વિભાગની જવાબદારી બનતી હોય છે. પરંતુ બિલ્ડિંગ વિભાગ મૌન રહ્યું અને આ લોલમલોલ કામગીરીની પોલ મહાનગરપાલિકાના ઓડિટ વિભાગે ખોલી નાંખતા ભ્રષ્ટાચારના પાપનો ઘડો ફૂટી ગયો છે.

ભાવનગર મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર કરવો હવે સામાન્ય બાબત બની ગઈ છે. કારણ કે, જે પ્રમાણે ભ્રષ્ટાચારનાં બનાવો ખુલી રહ્યા છે. તેને લઈને મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ કામ કરતી એજન્સીઓ ઉપર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે, તાજેતરમાં જ મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગના કર્મચારીઓ માટેની સુવિધા વધારવા માટે પાંચ માળનું બિલ્ડિંગ બનાવવામાં આવી રહ્યું છે. પરંતુ આ પાંચ માળના બિલ્ડિંગમાં ભ્રષ્ટાચારનો લૂણો લાગી ગયો છે. લોકલ એજન્સીને કામ સોંપવામાં આવ્યું હતું. જો કે, જ્યારે કામ થતું હોય છે. ત્યારે બિલ્ડિંગ વિભાગની સંપૂર્ણ જવાબદારી બનતી હતી કે, આ બાંધકામ મજબૂત છે કે નબળું તેની તપાસ કરવા માટેની પરંતુ બિલ્ડિંગ વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી. ત્યારબાદ અંતિમ તપાસ મહાનગરપાલિકાનું ઓડિટ વિભાગ કરતી હોય છે. જે ઓડિટ વિભાગમાં એજન્સીની અનેક ક્ષતિઓ બહાર આવી છે

ઓડિટ વિભાગની તપાસમાં બિલ્ડિંગના બીજા અને ત્રીજા માળેથી સ્ટ્રકચરના બાંધકામમાંથી નમુના લેવામાં આવ્યા હતા. જે નમૂનાના રિપોર્ટ કરાવવામાં આવતા ભ્રષ્ટાચારનું પાપ ખુલી ગયું હતું. ત્યારે કમિશનર દ્વારા પણ તાકીદે આદેશ કરીને બીજા અને ત્રીજા માલ પરથી નબળું બાંધકામ થયું છે. તેમને તોડી પાડવા માટે આદેશ કરી દેવામાં આવ્યો છે પરંતુ વાત એ છે કે, જ્યારે બાંધકામ થઈ રહ્યો હતું. ત્યારે શા માટે કોઈ મહાનગરપાલિકાનાં બિલ્ડિંગ વિભાગના અધિકારીએ આ પ્રકારનું કામકાજ ચાલવા દીધું હતું કેમ એજન્સી વિરોધ કેમ પગલાં ન ભર્યા.

હાલ ભાવનગર મહાનગરપાલિકાનું ફાયર બિલ્ડિંગ વર્ષો જૂનું હોવાથી ઠેર ઠેર જગ્યાએથી તૂટી ગયું છે. જેના કારણે ફાયર વિભાગના કર્મચારીઓ માટે અને અધિકારી માટે નવું બિલ્ડિંગ બનાવવામાં આવી રહ્યું છે. પરંતુ આ બિલ્ડિંગમાં સ્થાનિક એજન્સી દ્વારા નબળું બાંધકામ કરાવવામાં આવતા ભ્રષ્ટાચારના આરોપ લાગી રહ્યા છે. વિપક્ષનાં નેતા દ્વારા પણ મહાનગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચારને વખોડી પ્રજાનાં પૈસાનું પાણી થઈ રહ્યું છે. તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે.

બીજી તરફ મહાનગરપાલિકાનાં સ્ટેન્ડિંગ ચેરમેન રાજુ રાબડીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ઓડિટ વિભાગની તપાસમાં જે સામે આવ્યું છે, ત્યારે વિકાસના કામમાં કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે અને કડક પગલાં ભરવામાં આવશે. ત્યારે તે જોવું રહ્યું કે શું ફક્તને ફક્ત મીડિયા સમક્ષ નિવેદનો આપીને આ કૌભાંડને દબાવી દેવામાં આવશે કે કોન્ટ્રાક્ટર પાસેથી પ્રજાનાં પૈસાનું જે પાણી કરવામાં આવ્યું છે તે વસુલાત કરવામાં આવશે તે આવનારો સમય બતાવશે.’