Bhavnagarના ખેડૂત કરે છે પ્રાકૃતિક ખેતી, કેરીના મબલખ પાક સાથે લાખોની કમાણી
ભૌમિક સિધ્ધપુરા, ભાવનગરઃ જિલ્લામાં આજના સમયમાં વ્યાપક પ્રમાણમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. આ ઉપરાંત અન્ય રાસાયણિક ખેતી કરતાં વધુ ઉત્પાદનની સાથે વધુ ભાવ પણ મેળવી રહ્યાં છે. સરકારનો લક્ષ્યાંક પણ ખેતીમાં ડબલ આવક કરવાનો છે. તેવા સમયે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મણાર ગામના ખેડૂત દ્વારા પોતાના ખેતરમાં પ્રાકૃતિક ખેતી દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી કેરીના પાક સાથે અન્ય પાકોની મબલખ ખેતી કરવામાં આવી રહી છે. આ સાથે પોતાની જેમ પ્રાકૃતિક ખેતી તરફ અન્ય ખેડૂતો પણ કરતા થાય એવી આશા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
હાલના સમયમાં ખેતી ખૂબ જ ખર્ચાળ અને રાસાયણિક દવાયુક્ત બની ગઈ છે. દરેક ખેડૂતને ખેતીમાં પાકની ઉપજ માટે મોટો એવો ખર્ચ કરવો પડે છે. જેથી નફાનું પ્રમાણ ઓછું રહે છે. તેમાં પણ જો પાકમાં જીવાત અથવા કમોસમી વાતાવરણ આવી જાય તો સંપૂર્ણ પાક ફેલ જાય છે. જેથી વર્તમાન ખેડૂતે જાગૃત થઈ પ્રાકૃતિક ખેતી તરફ વળવાની તૈયારી દર્શાવવી જોઈએ. જો કે, ઘણાં ખેડૂતો આ તરફ પહેલ પણ કરી ચૂક્યાં છે.
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મણાર ગામમાં આવેલ ‘પ્રાકૃતિક ફાર્મ’ના ખેડૂત પરેશભાઈ ભટ્ટ છેલ્લા ઘણા વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને વિવિધ પાકોનું ઉત્પાદન પણ લઈ રહ્યા છે. જેમાં તેમને ઘણો ફાયદો પણ મળી રહ્યો છે. તેઓ પ્રાકૃતિક ખેતીની સાથે પશુપાલન પણ કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી આધારિત ખેતીની શરૂઆત પરેશભાઈએ 2018થી 10 વીઘા ફાર્મમાં કરી હતી. તે સમયે તેમણે 10 વીઘા જેટલી જમીન પર આંબાનું વાવેતર કર્યું હતું. પ્રાકૃતિક ખેતીની શરૂઆતમાં પરેશભાઈએ એક ગાયથી કરી હતી, અત્યારે તેમની પાસે કુલ 14 જેટલી ગાય છે. આજના સમયમાં રાસાયણિક ખાતર વાપરવાથી પાક તેમજ ખેતીની જમીનને કેટલું નુકશાન પહોચે છે તે ધ્યાને રાખી અન્ય લોકો પણ પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટેની આશાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
પરેશભાઈએ પ્રાકૃતિક ખેતી વિશે વાત કરતા જણાવ્યુ હતુ કે, રાસાયણિક ખેતીમાં ખર્ચાઓ ખૂબ જ વધી જાય છે. કારણ કે, DAP, SAP ખાતર, દવાઓનો છંટકાવ વગેરે વધી જાય છે. આ સાથે જ રાસાયણિક ખેતીથી જમીન ખૂબ જ કઠણ થઈ જાય છે. તેનાથી પાક પણ સારો ઉતરતો નથી. તેની સરખામણીમાં પ્રાકૃતિક ખેતીનો ખર્ચ ઓછો આવે છે અને જમીન પણ ફળદ્રુપ થાય છે. તેથી પાક પણ વધારે સારો મળે છે. તેમને આ ખેતી કરવાનો વિચાર કેવી રીતે આવ્યો તો તે બાબતે જણાવ્યુ હતુ કે, દેશી ખાતર જેવું બીજું કોઈ ખાતર કામ કરી શકે નહીં, એ વિચારે પ્રાકૃતિક ખેતી માટેની માહિતી પ્રાપ્ત કરી સરકારી સહાય મેળવી ખેતીની શરૂઆત કરી 10 વીઘામાં આંબાનું વાવેતર કરવામાં આવ્યુ હતું. પોતાના ખેતરમાં પાકની સારી ઉપજ લેવા આજે પણ તેઓ રાસાયણિક ખાતરના બદલે દેશી ખાતરનો ઉપયોગ કરવો વધુ હિતાવહ માની રહ્યા છે. આ ઉપરાંત પોતાની સાથે અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વધારેને વધારે ખેતરમાં પાકોની ઉપજ લેતા થઇ જાય તે માટેના પ્રયાસો પણ કરી રહ્યા છે.