November 24, 2024

ભાવનગરનો મહત્વાકાંક્ષી ઓવરબ્રિજ પ્રોજેક્ટ ખોરંભે, જનતા કરે સવાલ

ભૌમિક સિદ્ધપુરા, ભાવનગર: ભાવનગર શહેરના વિકાસ માટે મહત્વકાંક્ષી ઓવરબ્રિજ પ્રોજેક્ટ પૂર્ણ થવાનું નામ નથી લઈ રહ્યો. 2020માં ઓવરબ્રિજ બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને ઓવરબ્રિજને પૂર્ણ કરવા માટે 24 મહિનાની સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી. પરંતુ સર્વે અને માપણી અને આયોજન પાછળ ખાસ્સો સમય વ્યય થઈ ગયા બાદ ઓવરબ્રિજ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ કોરોના કાળ અને રેલ્વેની જગ્યાની માથાકૂટમાં આ પ્રોજેકટમાં વિલંબ જોવા મળ્યો છે. હાલ અત્યાર સુધીમાં ઓવરબ્રિજનું કામ માત્ર 80 ટકા જ થયું છે. ઓવરબ્રિજ બનાવવા માટે અપાયેલી સમય મર્યાદા પૂર્ણ થઈ જતાં તંત્ર દ્વારા બે વાર સમય વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ ટ્રાફિકથી સતત ધમધમતા આ રોડ પર બની રહેલા ઓવરબ્રિજ નું કામ ઝડપથી પૂરું થાય તેવુ વાહન ચાલકો અને સ્થાનિકો ઈચ્છી રહ્યા છે.

ભાવનગરમાં સુવિધા મળે તે પહેલા ટ્રાફિકના કારણે પડી રહેલી દુવિધાએ લોકોને હેરાન પરેશાન કરી દીધા છે, શહેરના પ્રવેશદ્વાર ગણાતા ગઢેચી વડલાથી દેસાઈનગર સુધીના રોડ પર ટ્રાફિક સમસ્યાને દૂર કરવા ઓવરબ્રિજ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરાયો હતો. પરંતુ ગોકુળગતિએ ચાલતા ઓવરબ્રિજ પ્રોજેક્ટના કારણે ટ્રાફિક સમસ્યા લોકો માટે વિકટ બની રહી છે. શરૂઆત થી અંત સુધીના રોડ પર સાઈડમાં સર્વિસ રોડ સાકડો હોવાને લીધે વારંવાર ટ્રાફિક જામ સર્જાય છે અને કલાકો સુધી વાહન ચાલકો ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેના કારણે આ રોડ પર થી પસાર થતા મોટી સંખ્યમાં વાહનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ભાવનગરના લોકોની વર્ષોની માંગણી બાદ ઓવરબ્રિજ બનવવા નો 2020 માં પ્રારંભ થયો હતો પણ ભાવેણા વાસીઓને સપનાને જાણે કે ગ્રહણ લાગ્યું હોઈ તેવું પૂરવાર થઈ રહ્યું છે. શહેરના અતિ વ્યસ્ત ગણાતા ભાવનગર રાજકોટ રોડ પર 115 કરોડ રૂપિયાના ખર્ચે 1580 મીટર લાંબો અને 16.50 મીટર પહોળાઈ ધરાવતા ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ કામની ધિમિગતી ના કારણે સ્થાનિકો અને વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ઓવરબ્રિજના નિર્માણ માટે ૨૪ મહિનાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી જે સમયમર્યાદા પણ પૂર્ણ થયાં ને ઘણો સમય વિતી ગયો હોવા છતાં અત્યાર સુધીમાં થયેલી કામગીરી જોઈએ તો કુલ ચાર દિશાએ થી કામગીરી શરૂ કરવામાં આવનાર હતી, જેમાં શાસ્ત્રીનગર થી દેસાઈનગર સુધીના મુખ્ય માર્ગ પર ઓવરબ્રિજના સુપરસ્ટ્રક્ચરનું માત્ર 80 ટકા કામ પૂર્ણ થયું છે, બીજી બાજુ જ્વેલ્સ સર્કલ થી આર.ટી.ઓ તરફ શરૂ થયેલી કામગીરી પણ હજુ 60 ટકા બાકી છે, જ્યારે કુંભારવાડા તરફથી ચડતા બ્રિજ તરફનું કાર્ય હજુ પ્રારંભ જ થયો છે

ભાવનગર શહેરના પ્રવેશદ્વાર કહીં શકાય એવા ગઢેચી રોડ પર આવેલા બોરતળાવ અને કુમદવાડી વિસ્તારમાં ડાયમંડ પોલિશિંગના મોટી સંખ્યામાં કારખાના આવેલા છે. જેના કારણે સવાર, બપોર અને સાંજના સમયે રત્નકલાકારો મોટી સંખ્યામાં ઉમટી પડતાં હોય છે, બીજી બાજુ મુખ્ય રોડ હોવાને લીધે ખૂબ મોટી સંખ્યામાં વાહનોની અવર જવર રહે છે. જેને લઈને આ રસ્તા પર વાહનોની બે કિલોમીટર જેવી લાઈનો લાગી જાય છે અને ટ્રાફિક જામ સર્જાય છે. જ્યારે વાહન ચાલકોની અવર જવરના કારણે સતત ઉડી રહેલી ધૂળના કારણે સ્થાનિક લોકો અને દુકાન ધારકોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. જેના કારણે લોકો દ્વારા ઓવરબ્રિજની કામગીરીમાં ઝડપ લાવવા અને ઝડપથી પૂર્ણ કરવા માંગ કરવામાં આવી છે.

ભાવનગરમાં બની રહેલા ઓવરબ્રિજ નો વર્કઓર્ડર ૨૦૨૦ માં આપવામાં આવેલો પરંતુ સર્વિસ રોડ અને ઓવરબ્રિજના કામમાં વચ્ચે આવતા વીજપોલ ફેરવવા તેમજ રસ્તો સંપાદન કરવા પાછળ ઘણો સમય પસાર થયો અને ૨૦૨૨ માં ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ થઈ હતી, હાલ 80 ટકા જેવું કામ થઈ ગયું છે, જે કુલ ચાર ભાગોમાં વહેંચાયેલું છે, જેમાં પહેલો દેસાઈનગરથી આરટીઓ સુધી, બીજો આરટીઓ થી શાસ્ત્રીનગર સુધી, ત્રીજો આરટીઓ થી જ્વેલ્સ સર્કલ સુધી અને ચોથો કુંભારવાડા તરફથી આરટીઓ સુધી ત્યારે આગામી વર્ષ સુધીમાં ઓવરબ્રિજ ની કામગીરી પૂર્ણ થઈ જશે એવી મનપા ના સીટી એન્જીનીયર આશા વ્યક્ત કરી હતી.