December 22, 2024

Bharuch : ભગવાન રામની સાથે PM Modi અને CM યોગીની પ્રતિમા સ્થાપિત કરાઈ

છેલ્લા ઘણા દિવસથી દેશભરમાં રામલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઇને દેશ આખો રામમય હતો. ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ કૃષ્ણકુંજ સોસાયટી સ્થિત ભગવાન શ્રીરામના મંદિર ખાતે PM મોદી અને યુપીના CM યોગી આદિત્યનાથની પ્રતિમા સ્થાપિત કરી ભગવાન રામના રક્ષક તરીકે દર્શાવવામાં આવ્યા છે.

500 વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યા ખાતે ભવ્ય મંદિરમાં સિંહાસન પર ભગવાન શ્રી રામલલ્લા બિરાજમાન થઈ ગયા છે. 5 વર્ષના બાળકના રૂપમાં સોનાના આભૂષણોથી સજ્જ રામલલ્લાને જોઈ સૌ કોઈ રામભક્ત ભાવુક થઈ રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના રામભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલી કૃષ્ણકુંજ સોસાયટી ખાતે રહેતા રામભક્તો દ્વારા ભગવાન શ્રીરામના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જોકે, મંદિરમાં સ્થાપિત ભગવાન શ્રી રામની પ્રતિમા સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના CM યોગી આદિત્યનાથની પ્રતિમા આ મંદિરનું મુખ્ય આકર્ષણ બની છે. ભગવાનની સાથે-સાથે PM મોદી અને યુપીના CM યોગીની પ્રતિમા સ્થાપિત કરી તેઓને ભગવાન શ્રીરામના રક્ષક તરીકે દર્શાવવામાં આવ્યા છે.

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ કૃષ્ણકુંજ સોસાયટી ખાતે રૂ. 20 લાખના ખર્ચે ભગવાન શ્રીરામ મંદિર સહિત સંકૂલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિરમાં ભગવાન શ્રીરામ, લક્ષ્મણ અને માતા સીતાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. જોકે, PM મોદીના અથાગ પ્રયત્નો બાદ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ પામ્યું છે, ત્યારે અંકલેશ્વરના રામભક્ત દ્વારા PM મોદી અને યુપીના CM યોગી આદિત્યનાથનો અનોખી રીતે આભાર માનવમાં આવ્યો છે. જેમાં ભક્તોએ વિધિ વિધાન સાથે PM મોદી અને યુપીના CM યોગી આદિત્યનાથની પ્રતિમાને મંદિરમાં સ્થાપિત કરી છે.

એટલું જ નહીં, મંદિર ખાતે ભક્તો દ્વારા દરરોજ સવાર અને સાંજ ભગવાન શ્રીરામની આરતી કરવામાં આવે છે. આ સાથે જ દર શનિવારે સુંદરકાંડના પાઠનું પણ વિશેષ આયોજન કરવામાં આવે છે. તો બીજી તરફ મંદિરમાં સ્થાપિત PM મોદી અને યુપીના CM યોગી આદિત્યનાથની પ્રતિમા આસપાસના લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે.