દરિયામાંથી મળ્યું 100 કિલો સ્ફટિકનું શિવલિંગ, વીડિયો વાયરલ
ભરૂચઃ શહેરના દરિયાકિનારાના વિસ્તારમાંથી મસમોટું શિવલિંગ મળી આવતા લોકોમાં કૂતુહલ સર્જાયું છે. સ્ફટિકનું મોટા કદનું શિવલિંગ મળી આવતા મોટી સંખ્યામાં લોકો દરિયાકિનારે પહોંચી રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, કાવીના માછીમારો દરિયામાં માછીમારી કરી રહ્યા હતા. તે સમયે તેમની જાળમાં આ સ્ફટિકનું શિવલિંગ ફસાયું હતું. એક અંદાજા પ્રમાણે શિવલિંગનું વજન 100 કિલોથી પણ વધારે છે. ખંભાતના અખાત પાસે આવેલા દરિયામાંથી શિવલિંગ મળી આવ્યું છે.
આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પ્રશાસન તંત્ર પણ ઘટનાસ્થળે પહોંચ્યું અને કામગીરી હાથ ધરી હતી. હાલ આ શિવલિંગને કાવી બંદરે લાવવામાં આવ્યું છે. ત્યાં ભક્તોની મોટી સંખ્યામાં ભીડ દર્શન માટે ઉમટી પડી છે.
શિવમંદિરમાં થશે સ્થાપિતઃ પીએસઆઈ
દરિયામાંથી માછીમારોને વસ્તુ મામલે કાવીના પીએસઆઈ વૈશાલી આહિરે જણાવ્યુ હતું કે, પ્રથમ નજરે આ વસ્તુ શિવલિંગ હોય તેવું લાગી રહ્યું છે. તેમાં ચાંદીના શેષનાગ દેખાઈ રહ્યા છે. હાલમાં ગ્રામજનો તેને કમલેશ્વર મહાદેવ અથવા અન્ય શિવમંદિરમાં સ્થાપિત કરવાનું વિચારી રહ્યા છે.