નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, આવતીકાલે CM ભૂપેન્દ્ર પટેલ વધાવશે
પ્રવિણ પટવારી, નર્મદાઃ સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 138.61 મીટરે પહોંચી ગઈ છે. ડેમ હવે સંપૂર્ણ ભરાવવામાં માત્ર 7 સેન્ટિમીટર જ બાકી છે. ત્યારે આવતીકાલે મા નર્મદાના વધામણાં કરવા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવી રહ્યા છે.
સરદાર સરોવર નર્મદા ડેમનું કામ વર્ષ 2017માં પૂરું થયું હતું. ત્યારે 16 સપ્ટેમ્બર 2017માં ભરાયો હતો, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અહીંયા આવીને નર્મદા પૂજન કર્યું હતું. 7 વર્ષથી સતત સરદાર સરોવર નર્મદા ડેમ મહત્તમ સપાટી વટાવી રહ્યો છે. ચાલુ વર્ષે 2024માં પણ 1 ઓક્ટોબર 2024એ ફરી નર્મદા ડેમ છલોછલ ભરાશે.
ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી આ વખતે કાચબા ગતિથી આગળ વધી રહી છે. કારણ કે ગત વર્ષે વહેલું પાણી છોડ્યું હતું. તેના કારણે સ્થિતિ બહુ ખરાબ થઈ હતી. ત્યારે આ વખતે સરદાર સરોવર નર્મદા ડેમ ડેમના મેનેજમેન્ટને પૂરતી કાળજી રાખી રહ્યા છે અને હાલ તબક્કાવાર ડેમમાંથી પાણી છોડાતા ચાલુ વર્ષે કોઈ નુકશાન થયું નથી.
સરદાર સરોવર નર્મદા ડેમ 138.61 મીટરે છે. આજે પાણીની આવક 81,508 ક્યૂસેક છે અને ડેમના 3 ગેટ 1.30 મીટર ખોલીને 80,980 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે અને ડેમની જળસપાટી 138.61 મીટરે પહોંચતા હવે માત્ર 6 સેન્ટિમીટર ખાલી રહ્યો છે. ત્યારે સિઝનમાં આ વખતે સંપૂર્ણ ડેમ 1 ઓક્ટોબર 2024 એટલે આવતીકાલે ભરાઈ જશે. ત્યારે સંપૂર્ણ ડેમ ભરાઈ જાય તેને લઈને આ વખતે પણ એક મોટો કાર્યક્રમ રાખવામવા આવ્યો છે.
આવતીકાલે 11 વાગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મા નર્મદાનાં વધામણા કરશે. તેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. નર્મદા વધામણાંના બેનરો પણ લાગી ગયા છે. સીએમ સાથે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પણ આવશે અને કેવડિયાના બ્રાહ્મણો દ્વારા વિધિ સાથે મા નર્મદાનાં વધામણા કરવામાં આવશે. આ વધામણા બાદ નર્મદાના 10થી વધુ દરવાજા ખોલવામાં આવશે. નર્મદા નદી બે કાંઠે વહેતી થશે. ત્યારબાદ ભરૂચ-નર્મદા અને વડોદરાના 42 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.