December 17, 2024

ડ્રગ્સ મળ્યા બાદ અંકલેશ્વર ઉદ્યોગ મંડળને અસલામતીનો ભય, કહ્યું – જોબવર્કના નામે નશીલા પદાર્થ બનાવે છે

ભરૂચઃ અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ કંપનીમાંથી 5 હજાર કરોડ રૂપિયાનું કોકેઇન ઝડપી પાડી પોલીસે કંપનીના ત્રણ ડિરેક્ટર, કેમિસ્ટ અને કન્સલ્ટન્ટની ધરપકડ કરી છે. આ કેસ બાદ અંકલેશ્વર ઉદ્યોગ મંડળે અસલામતીનો ભય વ્યક્ત કરતા રજૂઆત કરી છે.

અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ કંપની દિલ્હીની ફાર્મા સોલ્યુશન સર્વિસિસ નામની કંપની માટે જોબ વર્કનું કામ કરતી હતી. દિલ્હીમાં એકથી 10 ઓક્ટોબર દરમિયાન આ કંપની સહિત બે સ્થળેથી 7 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયા બાદ કોકેઇનનું ઉત્પાદન અને સપ્લાય અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ કંપનીમાંથી થયું હોવાનું ઘટસ્ફોટ થયું હોવાનું રવિવારે દિલ્હી અને ગુજરાત પોલીસે અંકલેશ્વર જીઆઈડીસીને ધમરોળી હતી.

આ ગુનામાં આવકાર ડ્રગ્સના ત્રણ ડિરેક્ટર અશ્વિન રામાણી, બ્રિજેશ કોથીયા, વિજય ભેસાણીયા અને કેમિસ્ટ મયુર દેસલે, કન્સલ્ટન્ટ અમિત મૈસુરીયાની ધરપકડ કરી હતી. નશાના કારોબારના આ રેકેટમાં ધરપકડો સામે દેશના સૌથી મોટા કેમિકલ ક્લસ્ટર અંકલેશ્વરના ઉદ્યોગકાર આવકાર ડ્રગ્સ કેસના આરોપીઓના બચાવમાં નજરે પડ્યા હતા.

અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પૂર્વ પ્રમુખ અને કેમિકલ મેન્યુફેક્ચર રમેશ ગાબાણીએ જણાવ્યું હતું કે, મોટી કંપનીઓ મોનોપોલી જાળવી રાખવા કેમિકલ જોબવર્ક કોડના આધારે આપે છે. રોમટીરીયલ પણ જે-તે કંપનીઓ આપે છે. આ ઉપરાંત જોબવર્ક કરનાર કંપનીને પ્રોસેસ રેસીપી આપવામાં આવે છે. જેને અનુસરી પ્રોસેસ્ડ કેમિકલ જોબવર્ક આપનારને પરત આપવાનું હોય છે. આ સમગ્ર પ્રક્રિયામાં કોડ આપેલા હોવાથી સ્થાનિક કંપનીને કયું કેમિકલ પ્રોસેસમાંથી પસાર થયું અને ફાઈનલ પ્રોડક્ટ કઈ બની છે. તેની સંપૂર્ણ માહિતી હોતી નથી. આ સમસ્યાને કારણે બે નંબરી તત્વો લાભ ઉઠાવી જોબવર્કના નામે નશીલા પ્રદાર્થ બનાવડાવી લેતા હોવાની રજૂઆત કરવામાં આવી હતી.