December 22, 2024

અંકલેશ્વર GIDCમાંથી ડ્રગ્સ ઝડપાયું, 15 દિવસમાં બીજી ઘટના

ભરૂચઃ ગુજરાતમાં અવારનવાર ડ્રગ્સ પકડાતું હોય છે. ત્યારે ફરી એકવાર આવી જ ઘટના સામે આવી છે. થોડા દિવસ પહેલાં અંકલેશ્વર જીઆઇડીસીમાંથી મોટા પ્રમાણમાં કોકેઇન ઝડપાયું હતું. ત્યારે ફરી એકવાર અંકલેશ્વર જીઆઇડીસીમાંથી જ મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. સુરત અને ભરૂચ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.

મળતી માહિતી પ્રમાણે, અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી અવસર એન્ટરપ્રાઇઝમાંથી 250 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. પોલીસે 14.10 લાખનું 141 ગ્રામ ડ્રગ્સ કબજે કર્યું છે. અન્ય 427 કિલો ડ્રગ્સનો જથ્થો હાલ ચકાસણી અર્થે FSLમાં મોકલવામાં આવ્યો છે. આ મામલે કુલ 3 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. કંપની સંચાલક વિશાલ પટેલની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ અન્ય 2 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. કંપનીનો માલિક વિદેશમાં હોવાની જાણકારી મળી છે.

13 ઓક્ટોબરે 5000 કરોડનું કોકેઇન ઝડપાયું હતું
અંકલેશ્વરની જીઆઇડીસીમાં આવકાર ડ્રગ્સ નામની ફેક્ટરીમાંથી 13 ઓક્ટોબરના રોજ 5000 કરોડનું 518 કિલો કોકેઇન ઝડપાયું હતું. આ મામલે પોલીસે કંપનીના 3 ડિરેક્ટર સહિત કુલ 5 લોકોની ધરપકડ કરી હતી. પોલીસે ડિરેક્ટર અશ્વિન રામાણી, બ્રિજેશ કોઠિયા, વિજય ભેસાણિયા તેમજ અન્ય 2 કેમિસ્ટની ધરપકડ કરી હતી. આ પાંચેય આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે આરોપીઓના 72 કલાકના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કર્યા હતા.