ભાભર બંધનું એલાન નિષ્ફળ, બનાસકાંઠા વિભાજનના વિરોધમાં લોકો ન જોડાતા ફિયાસ્કો

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે ધાનેરા, કાંકરેજ, દિયોદર બાદ આજે ભાભરમાં પણ દિયોદરને ઓગડ જિલ્લો બનાવવાની માગ સાથે રેલી અને આવેદનપત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ રેલીમાં લોકો ન જોડાતા રેલીનો ફિયાસ્કો જોવા મળ્યો હતો. જ્યારે સાંસદ ગેનીબેન ઠાકોર પોતાનો હોમ ટાઉન હોવાથી રેલીથી દૂર રહીને સમર્થન આપ્યું હતું.

બનાસકાંઠા જિલ્લાના વિભાજનને આજે એક મહિના જેટલો સમય થવા આવ્યો છે. જેમાં કાંકરેજ, દિયોદર, ધાનેરામાં પોતાની માગને લઈ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા હતા. ત્યારે હવે ભાભર વિસ્તારના લોકો પણ હવે આ વિરોધના સુરમાં જોડાયા છે. ભાભર વિસ્તારના લોકોની માગ છે કે દિયોદરને ઓગડ જિલ્લો સરકાર દ્વારા બનાવવામાં આવે અને ભાભરનો સમાવેશ ઓગડ જિલ્લામાં કરવામાં આવે જે માગને લઈ આજે વહેલી સવારે રેલી અને ભાભર બંધનું એલાન આપવામાં આવ્યું હતું, પરંતુ ભાભર વિસ્તારમાં આ આંદોલનને પ્રતિસાદ મળ્યો ન હતો. તમામ બજાર ચાલુ રહી હતી અને રેલીમાં પણ પાંખી હાજરી જોવા મળી હતી. જેના કારણે કહી શકાય કે રેલી અને બંધના એલાનનો ફિયાસ્કો જોવા મળ્યો હતો.

અહીંના આંદોલનમાં જોડાયેલા લોકોનું કહેવું છે કે ભાજપના નેતાઓના દબાણના કારણે લોકો આજે રેલીમાં લોકો જોડાયા નથી, પરંતુ આવનારા સમયમાં લોકો આંદોલનમાં જોડાશે અને ગાંધીનગર સુધી જવું પડશે તો પણ ભાભર વિસ્તારના લોકો પોતાની માગને લઈ જવા માટે તૈયાર છે. ભાભર બજારમાંથી નીકળેલ રેલી નિષ્ફળ રહેતા ઓગડ જિલ્લા સંકલન સમિતિએ ભાજપ પર આરોપ લગાવ્યા હતા.

રેલીના સંકલન સમિતિએ રેલી ફિયાસ્કો મામલે ભાજપ તરફથી આરોપો લગાવવા એમ આવ્યા હતા. ભાભર શહેરના પૂર્વ પ્રમુખ અમરત માળીએ કહ્યું હતું કે કોંગ્રસ પ્રેરિત રેલી હતી. તેથી અને ખોટી માગ સાથે નીકળી હતી તેથી લોકો રેલીથી દૂર રહ્યા ભાભર તાલુકાના લોકો વાવ થરાદ જિલ્લાની રચનાને આવકારે છે.

બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ભાભરમાં પણ આજે દિયોદરને ઓગડ જિલ્લો બનાવવાની માગ સાથે રેલી અને બંધના એલાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને લઇ બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, કોઈપણ જિલ્લાના વ્યક્તિઓને વિશ્વાસમાં લીધા વગર આ જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું છે. જે તે સમયે રાજા રજવાડાઓમાં પણ જ્યારે જાગીરીની વહેંચણી થતી હતી તે સમય પણ લોકોના અભિપ્રાય લેવામાં આવતા હતા. ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા તે સમયે પણ લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા કે તમારે ભારતમાં રહેવું છે કે પાકિસ્તાનમાં ત્યારે વર્તમાન સમયના શાસકોએ તાનાશાહી ભર્યા વર્તન બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈ કરવામાં આવ્યું છે. ત્યારે ભાભર વિસ્તારના લોકોની જે માગ છે કે દિયોદરને ઓગડ જિલ્લો બનાવવામાં આવે તે માંગને સરકાર સુધી પહોંચાડવામાં આવશે.

ભૂતકાળમાં જ્યારે દિયોદરમાંથી ભાભરને અલગ તાલુકો બનાવવા માટે આંદોલન થયું હતું તે સમયે તાલુકા પંચાયતના પ્રમુખ પદેથી મારા દ્વારા રાજીનામું આપવામાં આવ્યું હતું. તાજેતરમાં જ ભાભર વિસ્તારના લોકોએ ભાજપને બહુમત આપી વિજય અપાવ્યો છે ત્યારે ભાજપના લોકોએ ભાભરની જનતાનું ખેદાન મેદાન ન કરાય. ત્યારે સરકાર ભાભરના લોકોની વાત સાંભળે અને તેમને યોગ્ય નિર્ણય આપે તે જરૂરી છે.