November 18, 2024

મૈં તો રસ્તે સે જા રહા થા…’સોનાની’ પાણીપૂરી ખા રહા થા!

Gold silver pani puri:  જ્યારે પણ કોઈ સ્ટ્રીટ ફૂડની વાત આવે ત્યારે પાણીપૂરીનું નામ પહેલા ક્રમે આવે છે એમ કહેવામાં કંઈ ખોટું નથી. ઓખા લઈને છેક ઓડિશા સુધી અને દિલ્હીથી લઈને દેવરકુલ્લમ (તમિલનાડું રાજ્યનું ગામ) એક એવો પ્રાંત નહીં હોય જ્યાં આ પાણીપૂરી નામનું સ્ટ્રીટફૂડ નહીં ખવાતું હોય. હા, ચોક્કસથી કે, એનો સ્વાદ અને નામ જુદા જુદા જ હશે. હવે તો પાણીપૂરીમાં પણ પાણીના ફ્લેવર આવતા જાણે સ્વાદરસિયાઓને અન્નકુટ મળ્યો હોય એવો ટેસડો પડી જાય છે. માત્ર આપણા દેશમાં જ નહીં ભારતીયો જ્યાં જ્યા વસ્યા ત્યાં તેમણે પાણીપૂરી શરૂ કરી દીધી. એટલે દુનિયાભરમાં હવે પાણીપૂરીના લવર્સ વધી રહ્યા છે.

સાર્વત્રિક પ્રાપ્યતા એટલે પાણીપૂરી
ચણા-બટાટા (બાફેલા) અને મસાલા-મીઠું નાંખીને જુદા જુદા પાણીમાં ડીપ કરીને જે રીતે એ મોઢામાં જાય એટલે એમ લાગે જાણે મન સાક્ષાત કોઈ સ્વર્ગમાં પ્રવેશ્યું.શેરીથી લઈને સિનેમાહોલની ઈમારત સુધી દેશના શહેરના કોઈ પણ એવા જાણીતા ખૂણે આવો એક પાણીપૂરીવાળો તો ઊભો જ હશે. ભલે ગમે તેવી ક્વોલિટી આપતો હોય પણ ત્યાં થોડી ભીડ તો દરરોજ થતી હશે. આટલું વાંચ્યા પછી તમને કોઈ એવું કહે કે, આજે હું તમને સોના અને ચાંદીના વરખવાળી પાણીપૂર ખવડાવું તો? મોદી સરકારની ત્રીજી ટર્મમાં રજૂ થયેલા બજેટ બાદ સોનાના ભાવમાં પ્રથમ તબક્કે જ 4000 રૂપિયા સોનામાં ઓછા થયા એટલે કોઈ આર્થિક રીતે ખમતીધર સોનાની પાણીપૂરી આપણને અર્પણ કરે તો થોડી ના હોય?

આ પણ વાંચો: આ રીતે બનાવો કંટોલાનું શાક, મજા આવી જશે

એમાં સોનાની પૂરી હોય
હવે તમે કહેશો તો પૂરી તો પૂરી હોતી હૈ ભૈયા…પણ કર્ણાટકની વાણિજ્ય અને ટેકનોલોજીની ધરા ગણાતી બેંગ્લુરુ નગરીમાં સોનાની પાણીપૂરી મળે છે. એ પૂરી પર સોનાનો વરખ હોય છે. આ એ મટિરિયલ છે જેને તમે સરળતાથી ખાઈ શકો છો. હાલ આ જ સ્ટાર્ટઅપનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જુદા જુદા પ્રકાશિત અને પ્રસારિત માધ્યમોએ આ અંગે પુષ્ટી કરી છે કે, ના સોનાની પાણીપૂરીની વાત બિલકુલ સાચી છે. કાચની પ્લેટમાં તેને પીરસવામાં આવે છે. હવે આ સોનાની પાણીપૂરી હોય એટલે કંઈ સામાન્ય થોડી હોય. આની અંદર નથી બટાટાનો માવો પડતો કે, નથી ગરમાગરમ રગડો. આની અંદર ફીલ કરવામાં આવે છે મસ્ત મજાના તાજા ડ્રાયફ્રૂટ્સ

રસ રૂપે મધની ધારા
જ્યાં વાત રસની આવે છે ત્યાં રસ રૂપે અહીં અંદર મધ નાખવામાં આવે છે. પછી એને ઠંડાઈમાં ડીપ કરીને સર્વ કરવામાં આવે છે. પછી એના પર છેલ્લે ગોલ્ડન વરખ મૂકીને આપવામાં આવે છે. જેને લોકો આસાનીથી ખાઈ શકે છે. હવે આને પાણીપૂરી કહેવી કે સ્વીટ ડીશ? ડ્રાયફ્રૂટનું સ્નેકી ફ્યુઝન કહેવું કે, સ્ટ્રીટડીશ પરના અખતરા? આનો વીડિયો જેને બનાવ્યો છે એ વ્યક્તિનું નામ ખુશ્બુ પરમાર છે. આ વીડિયો અત્યાર સુધીમાં 3 મિલિયન વ્યૂને પાર કરી ગયો છે.હા, એક જાણ ખાતર કે, અહીં કોઈ ઓરિજીનલ પાણીપૂરીનો ટેસ્ટ નહીં મળે. લો આપું સરનામું, ક્યારેક બેંગ્લુરૂ જવાનું થાય તો ટેસ્ટ કરી લેજો તમારા ખર્ચે. શોપ નં.10, સરવે 14, થિરૂમેનહલ્લી, થાનીસંદ્રા મેઈન રોડ, બેંગ્લુરૂ.