January 22, 2025

નવા વર્ષની શરૂઆત મહાદેવના દર્શન સાથે, હજારો ભક્તો આવ્યા સોમનાથ

અરવિંદ સોઢા, ગીર સોમનાથ: પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધીદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં નૂતન વર્ષની પ્રાતઃ આરતીના દર્શનાર્થે ભક્તોનો માનવ મહેરામણ ઊમટ્યો હતો. વિક્રમ સવંત 2081ના પ્રથમ દિવસે ભક્તોએ સોમનાથ મહાદેવના દીવ્ય દર્શન કરી વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી. યુદ્ધના માહોલ વચ્ચે સૌએ શાંતીની કામનાઓ કરી હતી.

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વિક્રમ સંવત ૨૦૮૧ ના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવના દર્શને ભક્તોનો માનવ મહેરામણ ઉમટ્યો છે. દેશ વિદેશમાંથી આવનાર શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવને શીશ નમાવી પ્રાતઃ આરતીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. સોમનાથ મહાદેવ શાંતિના દાતા મનાય છે.

શિવજી કે જેમનો અર્થ જ કલ્યાણ થાય છે તેમની પાસે સમગ્ર વિશ્વના કલ્યાણ અને સુખ સમૃદ્ધિની ભક્તો પ્રાર્થના કરી રહ્યા છે. સોમનાથ મહાદેવના વર્ષના પ્રથમ શૃંગારના અને પ્રાતઃ આરતીના દર્શન કરી શ્રદ્ધાળુઓ શાંતિ પ્રગતિ સુખાકારી અને નિરામય આયુષ્યની કામના કરી રહ્યા છે.

સાથે સરહદો ઉપર તહેવારો છોડીને ફરજ બજાવી રહેલ જવાનો. ડોક્ટરો, પોલીસ સહિતના પ્રજાના સેવકો અને રક્ષકો માટે ભાવિકો મહાદેવને પ્રાર્થના કરી રહ્યા છે. તો વૈશ્વિક અશાંતીના માહોલમાં ભગવાન સોમનાથ શાંતીની સ્થાપના કરે તેવી સૌ એ પ્રાર્થનાઓ કરી દર્શન કરી અને નૂતન વર્ષની શરૂઆત કરી હતી.