September 17, 2024

Video: અંબાજીમાં રીંછ દેખાતા ફફડાટ, વન વિભાગ દ્વારા શરૂ કરાયું રેસ્ક્યૂ ઓપરેશન

અંબાજી: ભાદરવી પૂનમના મેળાને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આજે અંબાજીથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. અંબાજી ગબ્બર પર્વત પાસે રીંછ જોવા મળ્યું છે. જેને લઈને સ્થાનિકો સહિત અંબાજી આવતા દર્શનાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે. તો, ગઇકાલે જોવા મળેલા રીંછને પકડવા માટે વનવિભાગ દ્વારા સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

હાલ ગબ્બર પર્વત આસપાસના જંગલ વિસ્તારમાં વનવિભાગ દ્વારા રીંછને પકડવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહયું છે. યાત્રાધામ અંબાજી ગબ્બર પર્વત ખાતે રીંછ આવી ચડ્યું હોવાના સમાચાર મળતા જ બનાસકાંઠા વન વિભાગ એક્શનમઆ આવી ગયું હતું. તો, હાલ તો, ટૂંકા દિવસોમાં શરૂ થનાર ભાદરવી મહાકુંભમાં ભક્તોની સુરક્ષા સામે સવાલો ઉઠી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, ગબ્બર પર્વત પાસે શેષનાગની ગુફાથી ભૈરવજી મંદિર વચ્ચે રીંછના આંટાફેરા જોવા મળ્યા હતા. છેલ્લા 21 દિવસમાં ગબ્બર ખાતે 4 વખત રીંછ જોવા મળ્યું છે. આ પહેલા, 14 ઓગસ્ટ, 15 ઓગસ્ટ અને છેલ્લે 5 સપ્ટેમ્બરના રોજ રીંછ જોવા મળ્યું હતું. ત્યારબાદ ગઇકાલે રીંછ દેખાતા ખળભળાટ મચી ગયો હતો.