અમીર હોય કે ગરીબ દેશ ભારતથી મિત્રતા વધારવા ઉત્સુક: એસ જયશંકર
ઓડિશા: વિદેશ મંત્રી જયશંકરે ઓડિશાની મુલાકાતે છે. ત્યારે ઓડિશાની મુલાકાતના બીજા દિવસે એક બેઠકમાં ‘વિશ્વ બંધુ ભારત’ વિષય પર બોલતા, જયશંકરે વિશ્વભરમાં ભાગીદારી બનાવવાની ભારતની ક્ષમતાનો ઉલ્લેખ કર્યો. વિદેશ મંત્રી એસ જયશંકરે રવિવારે કહ્યું કે કેટલાક દેશોમાં ચાલી રહેલા યુદ્ધ અને અનિશ્ચિતતા વચ્ચે ઘણા દેશો ભારત તરફ મિત્રતાનો હાથ લંબાવી રહ્યા છે. તેમણે અમેરિકા, યુરોપ, રશિયા, આફ્રિકન દેશો, ઈઝરાયલ, ગલ્ફ અને આરબ દેશો સહિત વિવિધ દેશો સાથે ભારતના સંબંધો વિશે વિગતવાર માહિતી આપી હતી.
તમામ દેશો સાથે સહકાર
એસ જયશંકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે અન્ય દેશોમાં ચાલી રહેલા યુદ્ધો છતાં ભારત ‘સબકા સાથ, સબકા વિકાસ’ના સિદ્ધાંત પર આગળ વધી રહ્યું છે. આ કારણે તે પોતાના રાષ્ટ્રીય હિતોને આગળ વધારવા માટે તમામ દેશો સાથે વિવિધ મોરચે સહયોગ કરી શકે છે.
રાષ્ટ્રીય હિત માટે દરેક સાથે સારા સંબંધો
તેમણે કહ્યું કે અમે અમેરિકા અને યુરોપ તેમજ રશિયા અને આફ્રિકન દેશો સાથે મળીને કામ કરી શકીએ છીએ. એ જ રીતે ભારત એક તરફ ઈઝરાયલ અને બીજી બાજુ ગલ્ફ અને આરબ દેશો સાથે મિત્રતા કરી શકે છે. તેમણે પોતાના રાષ્ટ્રીય હિત માટે વિવિધ દેશો સાથે સારા સંબંધો બાંધવા સક્ષમ દેશને ‘વિશ્વ બંધુ’ ગણાવ્યો હતો.
ત્રણ પાઇપલાઇન પ્રોજેક્ટનો ઉલ્લેખ
વૈશ્વિક કનેક્ટિવિટી વધારવા માટે સરકારની પહેલની ચર્ચા કરતા વિદેશ મંત્રી જયશંકરે ત્રણ પાઇપલાઇન પ્રોજેક્ટનો ઉલ્લેખ કર્યો. જેમાં યુએઈ દ્વારા ભારતને યુરોપ સાથે જોડવું. ઈરાન અને રશિયામાંથી પસાર થતા આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ કોરિડોરની સ્થાપના અને ઓડિશાના દરિયાકાંઠા અને ઉત્તર-પૂર્વીય પ્રદેશ દ્વારા વિયેતનામ અને ઈન્ડો-પેસિફિકને જોડવાનું કામ કરવામાં આવશે. તેમણે કહ્યું કે સાઉદી અરેબિયા, ઈરાન, રશિયા, સિંગાપોર, વિયેતનામ અને અન્ય દેશો ભારત સાથે મિત્રતા રાખવા ઈચ્છે છે. તેનાથી રોકાણ, રોજગાર અને કનેક્ટિવિટી વધારવામાં મદદ મળશે.