January 16, 2025

વિરાટ કોહલી, રોહિત શર્મા, રવીન્દ્ર જાડેજા અને અશ્વિન સામે એક્શન લેવાના મૂડમાં BCCI

BCCI on Rohit Virat Jadeja Ashwin: ભારતીય ટીમને ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામેની 3 મેચની ટેસ્ટ સીરિઝમાં 3-0થી શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. હારની જવાબદારી ખુદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ લીધી છે. પરંતુ આ હારથી રોહિતની કેપ્ટનશિપ, તેની બેટિંગ, વિરાટ કોહલી સહિત સિનિયર ખેલાડીઓ પર પ્રશ્નાર્થ ચિન્હ ઉભા થયા છે. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પણ આ સિનિયર ખેલાડીઓ સામે પગલાં લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે.

ન્યૂઝીલેન્ડ સામે હાર્યા બાદ ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાનેથી પણ સરકી ગઈ છે. આ ઉપરાંત ફાઇનલમાં પહોંચવાનો માર્ગ પણ ઘણો મુશ્કેલ બની ગયો છે. હવે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે, જ્યાં તેને 5 મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે.

વધારે આગળ જવા અંગે નથી વિચારી રહ્યો: રોહિત શર્મા
આ ઓસ્ટ્રેલિયન સીરિઝ કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિન માટે છેલ્લી સીરિઝ હોઈ શકે છે. એક રિપોર્ટમાં આ દાવો કર્યો છે. ન્યૂઝીલેન્ડ સામે ત્રીજી ટેસ્ટ હાર્યા બાદ કેપ્ટન રોહિતે પોતાના ભવિષ્ય વિશે કહ્યું, ‘અત્યારે હું વધારે આગળનું વિચારી રહ્યો નથી.’

રોહિતે આગળ કહ્યું, ‘આ જરૂરી છે કે અમે આગામી સીરીઝ પર ધ્યાન કેન્દ્રિત કરીએ જે ઓસ્ટ્રેલિયા છે. અમે ઓસ્ટ્રેલિયા સિરીઝ સિવાય બીજું કંઈ નથી વિચારવાના. આ સિરીઝ મારા માટે અત્યારે મહત્વની છે. અમે તેના પર જ સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરીશું.

ચારેય સિનિયર્સ પોતાની હોમ ટેસ્ટ રમી ચૂક્યા
BCCIના એક વરિષ્ઠ સૂત્રએ જણાવ્યું છે કે, ‘રિવ્યુ ચોક્કસપણે લેવામાં આવશે. ભારતીય ટીમ 10 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે રવાના થશે. ન્યૂઝીલેન્ડ સીરિઝ એક મોટી હાર છે. ઓસ્ટ્રેલિયા સિરીઝ ખૂબ નજીક છે અને ટીમની જાહેરાત થઈ ચૂકી છે. એવામાં હવે કોઈ ફેરફાર નહિ થાય.

તેમણે વધુમાં જણાવ્યું કે જો ઈંગ્લેન્ડમાં થનાર WTC ફાઇનલ માટે ટીમ ઈન્ડિયા ક્વોલિફાય નહીં કરી શકે તો એક વાત ચોક્કસ છે કે ચારેય સિનિયર ખેલાડીઓ ઈંગ્લેન્ડ પ્રવાસ માટે સિલેકટ નહીં કરવામાં આવે. કઈ પણ થઈ શકે છે, સંભાવના છે કે તમામ ચારેય ખેલાડીઓએ પોતાની ઘરેલુ ટેસ્ટ રમી લીધી છે.