December 24, 2024

‘હું ચૂંટણી નહીં લડું’… કહીને વધુ એક BJPના ઉમેદવારે ટિકિટ પરત કરી

બારાબંકી: લોકસભા ચૂંટણી પહેલા પવન સિંહ બાદ હવે ઉત્તર પ્રદેશના બારાબંકીથી સાંસદ ઉપેન્દ્ર સિંહ રાવતે ભાજપની ટિકિટ પરત કરી છે. કથિત અશ્લીલ વીડિયો વાયરલ થયા બાદ રાવતે પોતાનો દાવો પાછો ખેંચી લીધો છે. હકીકતમાં, ભાજપે શનિવારે લોકસભા ચૂંટણી 2024 માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. ઉપેન્દ્ર સિંહ રાવતને ફરીથી બારાબંકીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા.

આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક અશ્લીલ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે બાદ રાવતે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે અને ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી હું નિર્દોષ સાબિત ન થવું ત્યાં સુધી હું ચૂંટણી નહીં લડું.

કથિત અશ્લીલ વીડિયો વાયરલ થયા બાદ સાંસદના પ્રતિનિધિ દિનેશ ચંદ્ર રાવતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસને આપેલી ફરિયાદમાં વીડિયોને નકલી અને એડિટ કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસ નિષ્પક્ષ તપાસ કરે તેવી માંગ ઉઠી છે.

વાયરલ થઈ રહેલા વીડિયોને લઈને સાંસદ ઉપેન્દ્ર સિંહ રાવતે નિવેદન જાહેર કર્યું હતું. તેણે કહ્યું કે આ મારો વીડિયો નથી. આ એક ફેક વીડિયો છે, જે AI મેથડ પર બનાવવામાં આવ્યો છે. તેમાં મારો ચહેરો મુકવામાં આવ્યો છે. આ તમામ 2022 અને 2023ના વીડિયો છે. મને બદનામ કરવા માટે આવું કરવામાં આવ્યું છે. આના દ્વારા મારી ઇમેજ ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મેં કેસ દાખલ કર્યો છે. જઘન્ય કૃત્ય કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર અશ્લીલ વીડિયો વાયરલ થયો છે. વીડિયો અંગે દાવો કરવામાં આવ્યો હતો કે આ વીડિયો બીજેપી સાંસદ ઉપેન્દ્ર સિંહ રાવતનો છે. આ કથિત અશ્લીલ વીડિયોમાં એક વિદેશી મહિલા જોવા મળી રહી છે. વીડિયો વાયરલ થયા બાદ બીજેપી સાંસદ રાવત પર નિશાન સાધ્યું હતું. ત્યારથી એવી ચર્ચા હતી કે પાર્ટી તેમની ટિકિટ કાપી શકે છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કથિત અશ્લીલ વીડિયોમાં 31 જાન્યુઆરી 2022ની તારીખ દેખાય છે જે 5 મિનિટનો છે. વીડિયોનો સમય રાત્રે 8 વાગ્યાનો છે. વાયરલ થયેલો બીજો વીડિયો પણ મે 2022નો હોવાનું કહેવાય છે. આ સાથે અન્ય ઘણા વીડિયો પણ વાયરલ થયા છે.

ભોજપુરી સ્ટાર પવન સિંહે પણ ટિકિટ પરત કરી હતી
તમને જણાવી દઈએ કે આ પહેલા ભોજપુરી સ્ટાર પવન સિંહે આસનસોલથી ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. ભાજપે પવન સિંહને પશ્ચિમ બંગાળના આસનસોલથી પોતાનો ઉમેદવાર બનાવ્યો હતો જ્યાંથી ટીએમસી નેતા શત્રુઘ્ન સિંહા હાલમાં સાંસદ છે. X પર પોસ્ટ કરતી વખતે પવન સિંહે કહ્યું હતું કે, ‘હું ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. પાર્ટીએ મારા પર વિશ્વાસ કર્યો અને મને આસનસોલથી ઉમેદવાર તરીકે જાહેર કર્યો, પરંતુ કેટલાક કારણોસર હું આસનસોલથી ચૂંટણી લડી શકીશ નહીં.