January 15, 2025

PM મોદી સાથે ચર્ચા કરવા માગે છે બાંગ્લાદેશના મોહમ્મદ યુનુસ, ભારતે ન આપ્યો કોઈ જવાબ

Bangladesh: બાંગ્લાદેશની નવી વચગાળાની સરકાર ભારત સાથે વાતચીત કરવા માંગે છે. આ માટે ઢાકાથી નવી દિલ્હીને સત્તાવાર સંદેશ પણ મોકલવામાં આવ્યો છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી UNGA (સંયુક્ત રાષ્ટ્ર મહાસભા)માં મળી શકે છે. બાંગ્લાદેશે ન્યૂયોર્કમાં પીએમ મોદી સાથે મોહમ્મદ યુનુસની મુલાકાત માટે ભારતને વિનંતી કરી છે.

ભારતે હજુ સુધી પાડોશી દેશની આ વિનંતીનો જવાબ આપ્યો નથી. મોહમ્મદ યુનુસે કહ્યું કે સાર્ક દેશોના સંગઠનને મજબૂત કરવા માટે ભારત સાથે વાતચીત જરૂરી છે. મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશમાં રોહિંગ્યા શરણાર્થીઓ મુદ્દે પીએમ મોદી પાસે મદદ લેવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. જો કે ભારત સરકારે હજુ સુધી આ અંગે કોઈ જવાબ આપ્યો નથી, પરંતુ પીએમ મોદી સપ્ટેમ્બરના અંતમાં યોજાનાર યુએનજીએના કાર્યક્રમમાં ભાગ લેવા ન્યૂયોર્ક જશે. જ્યાં બંને નેતાઓની મુલાકાત થવાની સંભાવના છે.

ભારતને લઈને યુનુસની ટિપ્પણીઓ સમસ્યા બની શકે છે
ભારતીય પક્ષે બાંગ્લાદેશની અપીલ પર હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી અને ન્યૂયોર્કમાં દ્વિપક્ષીય બેઠક માટે મોદીનો એજન્ડા હજુ નક્કી કરવામાં આવી રહ્યો છે. સૂત્રો અનુસાર આ સપ્તાહની શરૂઆતમાં એક ભારતીય મીડિયા આઉટલેટ સાથેની મુલાકાતમાં યુનુસની ટિપ્પણીને પગલે મોદી અને યુનુસ વચ્ચેની મુલાકાત અસંભવિત લાગે છે.

આ પણ વાંચો: દીપિકા-રણવીરના ઘરે લક્ષ્મી અવતર્યા, અભિનેત્રીએ દીકરીને આપ્યો જન્મ

ભારત કઈ ટિપ્પણીથી નારાજ છે?
મોહમ્મદ યુનુસે પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં ભારતમાં હતા ત્યારે બાંગ્લાદેશ પર ટિપ્પણી કરવા બદલ શેખ હસીનાની ટીકા કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે ભારતે આ ‘વાર્તા’માંથી બહાર આવવું જોઈએ કે અવામી લીગ સિવાય દરેક રાજકીય પક્ષ ‘ઈસ્લામી’ છે.

યુનુસે કહ્યું, “જો ભારત હસીનાને રાખશે તો શરત એ હશે કે તેણે પોતાનું મોં બંધ રાખવું પડશે. ભારતમાં બેસીને તે બોલે છે અને સૂચનાઓ આપે છે તે વાત કોઈને પસંદ નથી. આ આપણા કે ભારત માટે સારું નથી.” બાંગ્લાદેશે ભારપૂર્વક કહ્યું કે શેખ હસીનાએ ભારતમાં ચૂપ રહેવું જોઈએ કારણ કે તેમને ત્યાં આશ્રય આપવામાં આવ્યો છે અને તે ત્યાંથી ચૂંટણી પ્રચાર કરી રહી છે.

યુનુસની ટિપ્પણી પર ભારત તરફથી હજુ સુધી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે આ ટિપ્પણીઓ બંને દેશોના સંબંધો માટે સારી નથી.