January 9, 2025

બાંગ્લાદેશીઓને હોટલોમાં નહીં મળે પ્રવેશ… ઓલ ત્રિપુરા હોટેલ-રેસ્ટોરન્ટ એસોસિએશનની મોટી જાહેરાત

Bangladesh: બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ પર થતા અત્યાચાર લઈને ભારતના ઘણા રાજ્યોમાં સતત પ્રદર્શન થઈ રહ્યા છે. એટલું જ નહીં, થોડા દિવસો પહેલા અગરતલા અને કોલકાતાની બે હોસ્પિટલોએ પણ બાંગ્લાદેશી નાગરિકોની સારવાર પર પ્રતિબંધ મૂક્યો હતો. આ દરમિયાન સોમવારે ત્રિપુરાની હોટલ અને રેસ્ટોરન્ટે પણ મોટો નિર્ણય લીધો છે. તેઓએ હવે બાંગ્લાદેશીઓને સેવાઓ આપવાનો ઇનકાર કરી દીધો છે.

આ નિર્ણય ‘ઓલ ત્રિપુરા હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ ઓનર્સ એસોસિયેશન’ દ્વારા લેવામાં આવ્યો છે. જે રાજ્યની ઘણી હોટલ અને રેસ્ટોરન્ટ્સના મોટા ભાગનું પ્રતિનિધિત્વ કરે છે. આ નિર્ણય એવા સમયે જાહેર કરવામાં આવ્યો છે જ્યારે ત્રિપુરાની રાજધાની અગરતલામાં હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ અને બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર હુમલાને લઈને ભારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. એટલું જ નહીં પરંતુ આ એસોસિએશને કોલકાતાની હોટલોમાં પણ આ નિર્ણય લાગુ કર્યો છે.

ત્રિપુરા હોટેલ એસોસિએશને એક મોટું પગલું ભર્યું
ત્રિપુરા હોટેલ એસોસિએશનના આ પગલાને બાંગ્લાદેશમાં લઘુમતીઓ સામે વધી રહેલા હુમલા અને હિંસા પર ધ્યાન આપવાના ભાગરૂપે માનવામાં આવી રહ્યું છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ પ્રતિબંધ ક્યાં સુધી ચાલુ રહેશે. એસોસિએશને એ પણ માહિતી આપી હતી કે આ નિર્ણય બાદ પશ્ચિમ બંગાળ સ્થિત હોટેલ અને રેસ્ટોરન્ટ એસોસિએશને પણ બેઠક બાદ નિર્ણય લીધો છે કે બાંગ્લાદેશી નાગરિકોને સેવાઓ નહીં આપવામાં આવે.

આ પણ વાંચો: રશિયા પર મુસ્લિમ શરણાર્થીઓને બળજબરીથી સેનામાં ભરતી કરવાનો આરોપ

ત્રિપુરાના હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશનનો આ નિર્ણય બંને દેશો વચ્ચેના સંબંધોમાં વધી રહેલા તણાવને દર્શાવે છે. બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુ સમુદાય વિરુદ્ધ હિંસા અને ધાર્મિક અત્યાચારની ઘટનાઓએ બંને દેશો વચ્ચેની સ્થિતિને વધુ તંગ બનાવી દીધી છે. આ નિર્ણયની અસર ત્રિપુરા અને પશ્ચિમ બંગાળમાં જોવા મળી શકે છે. જોકે બાંગ્લાદેશી પ્રવાસીઓના આગમનને લગતા ભવિષ્યના નિર્ણયો અંગેની સ્થિતિ હાલમાં સ્પષ્ટ નથી.