શેખ હસીનાને ભારત છોડવું પડશે? બાંગ્લાદેશની નવી સરકારનો પ્લાન
નવી દિલ્હીઃ શેખ હસીના પીએમ પદ છોડીને બાંગ્લાદેશથી ભારત ભાગી ગયા છે. પરંતુ મુશ્કેલી તેમને છોડતી નથી. બાંગ્લાદેશની નવી યુનુસ સરકાર શેખ હસીનાને ભારતમાં પણ શાંતિથી રહેવા દેશે નહીં. સૂત્રોનું માનીએ તો બાંગ્લાદેશ સરકાર ભારતમાંથી શેખ હસીનાના પ્રત્યાર્પણ પર વિચાર કરી શકે છે.
બાંગ્લાદેશના વિદેશ સલાહકાર (વિદેશ પ્રધાન) મોહમ્મદ તૌહીદે એક ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે, જો ગૃહ અને કાયદા મંત્રાલય કોઈ નિર્ણય લેશે તો અમારે શેખ હસીનાની વાપસી માટે ભારતને પૂછવું પડશે. જણાવવામાં આવી રહ્યું છે કે, બાંગ્લાદેશ સરકાર શેખ હસીના વિરુદ્ધ બાંગ્લાદેશમાં નોંધાયેલા કેસના સંદર્ભમાં પ્રત્યાર્પણ વિકલ્પ પર વિચાર કરશે.
શેખ હસીનાના પ્રત્યાર્પણની ચર્ચા એવા સમયે થઈ રહી છે, જ્યારે તેની વિરુદ્ધ બાંગ્લાદેશમાં ઘણા કેસ નોંધાયેલા છે. ત્યારે બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાની પાર્ટીએ ગુરુવારે દેશભરમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું અને તાજેતરની હિંસા માટે પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીના અને તેમની નજીકના લોકોની ધરપકડ અને કાર્યવાહીની માગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, શેખ હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને 5 ઓગસ્ટે સરકાર વિરુદ્ધ ભારે વિરોધ પ્રદર્શનો બાદ દેશ છોડી દીધો હતો. ત્યારથી તે ભારતમાં રહે છે. બાંગ્લાદેશમાં 5 ઓગસ્ટના રોજ હસીના સરકારના પતન પછી દેશભરમાં હિંસક ઘટનાઓમાં 230થી વધુ લોકોનાં મોત થયા છે. ત્રણ સપ્તાહની હિંસા દરમિયાન મૃત્યુઆંક 560 થયો છે.