December 23, 2024

બાંગ્લાદેશ હિંસાનું પાકિસ્તાન કનેક્શન? બંગબંધુની મૂર્તિ તોડી, પરિસ્થિતિ બેકાબૂ

અમદાવાદઃ અનામતના મુદ્દે બાંગ્લાદેશમાં શરૂ થયેલો વિરોધ હવે કાબૂ બહાર ગયો છે. દેશમાં સ્થિતિ વણસી ગઈ છે. શેખ હસીનાએ પીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે. તે દેશ છોડીને ભાગી ગયાં છે. તે આશ્રય માટે ભારત આવી શકે છે. આ દરમિયાન સેનાએ બાંગ્લાદેશની કમાન સંભાળી લીધી છે. પરંતુ સવાલ એ છે કે શું માત્ર અનામતના મુદ્દે આંદોલનકારીઓ એટલા ગુસ્સે થયા કે ત્યાંની સરકાર તેને સંભાળવામાં નિષ્ફળ ગઈ?

હકીકતમાં આ પ્રદર્શન દરમિયાનની એક તસવીર સામે આવી છે, જે ઘણું બધું સૂચવે છે. દેખાવકારોએ બાંગ્લાદેશના સંસ્થાપક શેખ મુજીબુર રહેમાનની પ્રતિમા તોડી નાંખી છે. બાંગ્લાદેશના રાજકારણમાં શેખ મુજીબુર રહેમાનનું કદ ભારતમાં મહાત્મા ગાંધી જેવું જ છે. જેમ આપણે મહાત્મા ગાંધીને બાપુ તરીકે ઓળખીએ છીએ, તેવી જ રીતે બાંગ્લાદેશના લોકોમાં મુજીબુર રહેમાનને બંગબંધુ તરીકે ઓળખવામાં આવે છે.

આ પણ વાંચોઃ આ 5 કારણથી શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડ્યું, ઇતિહાસમાં કાળા અક્ષરે લખાશે ઘટના

બાંગ્લાદેશની આઝાદી અને બંગબંધુ
મુજીબુર રહેમાને ભારતની મદદથી 1971માં પાકિસ્તાની અપરાધ સામે લડ્યાં અને પછી બાંગ્લાદેશના રૂપમાં સ્વતંત્ર દેશની સ્થાપના કરી હતી. જો કે, આટલું મોટું કામ કરવા છતાં બાંગ્લાદેશના લોકોનો એક વર્ગ હંમેશા મુજીબુર રહેમાનની વિરુદ્ધ હતો.

આ જ કારણ છે કે, દેશને પાકિસ્તાની સેના અને સરકારના ગુનાઓથી મુક્ત કરાવનારા શેખ મુજીબુર રહેમાનની 15 ઓગસ્ટ 1975ના રોજ તેમના સમગ્ર પરિવાર સાથે હત્યા કરવામાં આવી હતી. તે સમયે તેઓ બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ હતા. તેમની હત્યા બાદ દેશમાં સૈન્ય શાસન સ્થપાયું હતું. આ હત્યાકાંડ બીજા કોઈએ નહીં પણ બાંગ્લાદેશ આર્મીના એક જૂથ દ્વારા કરવામાં આવ્યો હતો. થોડા કલાકો પહેલા જ બાંગ્લાદેશના પીએમ રહેલા શેખ હસીના અને તેમની બહેન આ હત્યાકાંડમાં બચી ગયા હતા. કારણ કે તે સમયે આ બંને બહેનો ભારતમાં અભ્યાસ કરતી હતી.

આ પણ વાંચોઃ માતા-પિતા સહિત ત્રણ ભાઈની હત્યા, બેવાર મોતને હાથતાળી દેનારી શેખ હસીનાની કહાણી

બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓ
બાંગ્લાદેશના લોકો શરૂઆતથી જ બે જૂથોમાં વહેંચાયેલા છે. કટ્ટરપંથીઓનો એક વર્ગ એવો છે, જેઓ પાકિસ્તાની સેનાના ગુનાઓ સહન કર્યા પછી પણ પાકિસ્તાનની નજીક છે. જો કે, આવા કટ્ટરપંથીઓની સંખ્યા ઘણી ઓછી છે. આ કટ્ટરવાદી સમુદાયો મુખ્યત્વે બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના સમર્થકો છે. તેના નેતા બેગમ ખાલિદા રહે છે. તે બાંગ્લાદેશના ભૂતપૂર્વ લશ્કરી શાસકની પત્ની છે. બાંગ્લાદેશનો ઈતિહાસ એવો રહ્યો છે કે, જ્યારે પણ અવામી લીગ નબળી પડે છે અથવા જનતા પરની તેની પકડ ઢીલી પડે છે, ત્યારે બીએનપી અને કટ્ટરવાદી શક્તિઓ વધુ મજબૂત બને છે.

આ કટ્ટરવાદી શક્તિઓ ઇસ્લામના નામે પાકિસ્તાનને સમર્થન આપે છે. આમાં મોટાભાગના લોકો એવા છે જેઓ મૂળભૂત રીતે ઉર્દૂ બોલે છે. હકીકતમાં, 1947માં ભારતના ભાગલા દરમિયાન બિહાર અને પૂર્વીય યુપીમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ વસ્તી પૂર્વ પાકિસ્તાન (હાલનું બાંગ્લાદેશ)માં સ્થાયી થઈ હતી. પરંતુ 1971માં પાકિસ્તાનના ભાગલાને કારણે તેઓ પોતાના જ દેશમાં બહારના બની ગયા હતા. તેમના મનમાં હજુ પણ પાકિસ્તાન માટે પ્રેમ જળવાઈ રહ્યો છે.

શેખ હસીના સામે નારાજગી
બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિને જોતા પાકિસ્તાનનો હાથ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. કારણ કે, શેખ હસીનાની જનતા પરની પકડ છેલ્લા કેટલાક સમયથી નબળી પડી છે. તેમની નીતિઓની ટીકા થઈ રહી છે. આ ઉપરાંત તેઓ ઘણાં સમયથી (6 જાન્યુઆરી, 2009) સુધી પીએમ રહ્યા છે. આ કારણથી તેમની સામે મજબૂત એન્ટી ઇન્કમ્બન્સી છે. તેમના પર ચૂંટણીમાં ગોટાળાનો પણ આરોપ છે. આ તમામ કારણોના આધારે તેમની સામે લોકોમાં રોષની શક્યતા નકારી શકાય તેમ નથી. આવી સ્થિતિમાં શક્ય છે કે પાકિસ્તાની ગુપ્તચર તંત્રએ આ નારાજગીને વધુ ભડકાવવાનો પ્રયાસ કર્યો હોય.