December 19, 2024

બાંગ્લાદેશ હિંસામાં અંદાજિત 650 લોકોના મોત, યુએન રિપોર્ટમાં દાવો

UN Report on Bangladesh Violence: સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કાર્યાલયે પોતાના અહેવાલમાં દાવો કર્યો છે કે બાંગ્લાદેશમાં તાજેતરની હિંસામાં લગભગ 650 લોકોના મોત થયા છે. સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે હિંસા, ધરપકડ અને ન્યાયિક કસ્ટડીમાં મૃત્યુની ઘટનાઓની નિષ્પક્ષ અને પારદર્શક રીતે તપાસ થવી જોઈએ. સંયુક્ત રાષ્ટ્રએ બાંગ્લાદેશ હિંસા પર 10 પાનાનો રિપોર્ટ તૈયાર કર્યો છે.

યુએન દ્વારા શુક્રવારે જાહેર કરાયો રિપોર્ટ
રિપોર્ટમાં જણાવ્યા મુજબ, 16 જુલાઈથી 4 ઓગસ્ટ દરમિયાન થયેલી હિંસામાં લગભગ 400 લોકોના મોત થયા છે. 5-6 ઓગસ્ટના રોજ થયેલી હિંસામાં લગભગ 250 લોકોએ જીવ ગુમાવ્યો હતો, જેના કારણે શેખ હસીનાએ પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. જુદાજુદા મીડિયા અહેવાલો અને આંદોલનકારી સંગઠનોએ પણ જુલાઈથી ઓગસ્ટ સુધી અનામત વિરોધી વિરોધ પ્રદર્શન દરમિયાન 600 લોકોના મોત થયા થયાની વાત કરી છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કાર્યાલયે શુક્રવારે જીનીવામાં આ અહેવાલ જાહેર કર્યો. અહેવાલો અનુસાર, મૃતકોમાં પ્રદર્શનકર્તાઓ, મૂકદર્શક, પત્રકારો અને જુદા જુદા દળોના સુરક્ષા કર્મીઓનો સમાવેશ થાય છે. હિંસામાં હજારો લોકો ઘાયલ પણ થયા છે.

વધી શકે છે મૃત્યુઆંક
યુએનના રિપોર્ટમાં એવી પણ આશંકા છે કે મૃત્યુઆંક હજુ વધારે હોઇ શકે છે. કારણ કે, ઘણા વિસ્તારોમાં લાદવામાં આવેલા કર્ફ્યુને કારણે તેમને માહિતી એકત્રિત કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. સરકાર દ્વારા હોસ્પિટલોને પણ માહિતી આપવાથી રોકવામાં આવી રહી છે. બાંગ્લાદેશમાં જૂન મહિનામાં આરક્ષણ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ થયા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન સુરક્ષા દળો દ્વારા માનવાધિકારના ઉલ્લંઘનના આક્ષેપો પણ થયા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સુરક્ષા દળોએ દેખાવકારો સાથે કડકાઇથી વ્યવહાર કર્યો જેના કારણે સ્થિતિ વધુ બગડી.

રિપોર્ટમાં ધાર્મિક લઘુમતી પર હુમલાનો પણ ઉલ્લેખ
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ધાર્મિક લઘુમતી લોકો સાથે લૂટફાટ, તોડફોડ અને આગજનીની ઘટનાઓ બની. સાથે જ આવમી લીગના કાર્યકર્તાઓ અને નેતાઓની બદલાની ભાવના સાથે હત્યાઓ કરવામાં આવી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બાંગ્લાદેશમાં ઝડપથી કાયદો અને વ્યવસ્થાને પુનઃસ્થાપિત કરવાની જરૂર છે. ઉપરાંત, હિંસાના ગુનેગારો સામે જવાબદારી નક્કી કરવાની જરૂર છે.