November 22, 2024

આ 5 કારણથી શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડ્યું, ઇતિહાસમાં કાળા અક્ષરે લખાશે ઘટના

અમદાવાદઃ દેશમાં બગડેલી પરિસ્થિતિ વચ્ચે આખરે શેખ હસીનાએ રાજીનામું આપવું પડ્યું છે. એવા અહેવાલો છે કે તે બાંગ્લાદેશ છોડીને વિદેશમાં કોઈ સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયાં છે. આવો જાણીએ એવા કયા કારણો હતા, જેના કારણે બાંગ્લાદેશમાં શેખ હસીના સામે બળવો વધ્યો હતો અને તેઓ અપ્રિય બનતા જતા હતા.

બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારને તેના લાંબા કાર્યકાળ દરમિયાન ઘણી નકારાત્મક બાબતોનો સામનો કરવો પડ્યો છે. તાજેતરના સમયમાં તેમના પર વિપક્ષને દબાવવા અને સરમુખત્યારશાહી હોવાનો પણ આરોપ લાગ્યો હતો. દેશમાં એક મહિના કરતાં વધુ સમયથી આંદોલન ચાલી રહ્યું હતું. આ આંદોલન પહેલા વિદ્યાર્થીઓ માટે નોકરીના ક્વોટાના વિરોધમાં શરૂ થયું હતું, પરંતુ પછી શેખ હસીના સરકાર સામે વ્યાપક ગુસ્સામાં ફેરવાઈ ગયું હતું. જેમાં સમાજના દરેક વર્ગના લોકો જોડાયા હતા. એવું માનવામાં આવે છે કે પડદા પાછળ વિપક્ષની એકતાએ આમાં મોટી ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચોઃ માતા-પિતા સહિત ત્રણ ભાઈની હત્યા, બેવાર મોતને હાથતાળી દેનારી શેખ હસીનાની કહાણી

શેખ હસીના લગભગ 15 વર્ષ સુધી બાંગ્લાદેશના વડાપ્રધાન રહ્યા છે. તેમનો પ્રથમ કાર્યકાળ જૂન 1996થી જુલાઈ 2001 સુધીનો હતો. ત્યારપછીની ચૂંટણી જીત્યા બાદ તેઓ 6 જાન્યુઆરી, 2009થી સતત વડાપ્રધાન પદે છે. તે ચોક્કસપણે બાંગ્લાદેશના ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વડાપ્રધાન રહ્યા છે, પરંતુ સમય સાથે તે સરમુખત્યાર પણ બની ગયા છે.

1. અસંમતિ વ્યક્ત કરનારાઓનું દમન
હસીનાના વહીવટીતંત્ર પર વિપક્ષી અવાજ અને અસંમતિને દબાવવાનો આરોપ છે. સત્તામાં તેમના શાસનમાં દરમિયાન વિપક્ષી નેતાઓની ધરપકડ, અભિવ્યક્તિની સ્વતંત્રતાનું દમન અને અસંમતિને દબાવવાની ઘટનાઓ જોવા મળી હતી. તાજેતરના વિરોધ માટે તેમની સરકારનો પ્રતિભાવ પણ ખાસ કરીને હિંસક રહ્યો છે, જેમાં વિરોધીઓ સામે વધુ પડતા બળના અહેવાલો છે, જેના કારણે સામૂહિક જાનહાનિ થઈ છે.

આ પણ વાંચોઃ શેખ હસીનાએ દેશ છોડ્યો… આ શબ્દ ભારે પડ્યો! પાકિસ્તાન સાથે કનેક્શન

2. લોકતાંત્રિક ધોરણો ક્ષીણ થયાં
ટીકાકારો દલીલ કરે છે કે, હસીનાની સરકારે લોકશાહી પ્રક્રિયાઓ અને સંસ્થાઓને નબળી પાડી છે. તેમના કાર્યકાળ દરમિયાન ચૂંટણી ધાંધલધમાલ અને હિંસાના આરોપોથી ઘેરાયેલી હતી. તેમની સૂચનાઓ પર સરકારી એજન્સીઓએ કાવતરું ઘડ્યું અને વિપક્ષી નેતાઓને જેલમાં ધકેલી દીધા અથવા તેમની સામે સંખ્યાબંધ કેસ કર્યા છે. એકંદરે પોલીસ અને અન્ય સરકારી એજન્સીઓએ વિપક્ષી નેતાઓને ફસાવવા માટે વધુ કામ કર્યું છે. નિષ્પક્ષતાની ચિંતાને કારણે મુખ્ય વિપક્ષી દળોએ આ વખતે પણ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. જેના કારણે દેશમાં વિચિત્ર સ્થિતિ સર્જાઈ હતી. અંદરથી ગુસ્સો ઘણા સમયથી વધી રહ્યો હતો.

3. માનવ અધિકારોનું ઉલ્લંઘન
હસીનાની સરકાર હેઠળ માનવાધિકાર ઉલ્લંઘનના અસંખ્ય અહેવાલો છે, જેમાં બળજબરીથી ગુમ થવા અને ન્યાયવિહીન હત્યાઓ સામેલ છે. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ આ દુરુપયોગોનું દસ્તાવેજીકરણ કર્યું છે. પરિણામે પશ્ચિમી દેશોએ આ ઉલ્લંઘનો સાથે સંકળાયેલા કેટલાક સુરક્ષા દળો સામે પ્રતિબંધો લાદ્યા છે.

આ પણ વાંચોઃ બાંગ્લાદેશમાં મંદિરો પર કટ્ટરપંથીઓનો હુમલો, હિંસામાં 2 હિન્દુ કાઉન્સિલર્સની હત્યા

4. નોકરીઓમાં આરક્ષણ
તાજેતરમાં શેખ હસીનાની સરકારે એવા લોકોને નોકરીમાં ક્વોટા આપ્યો હતો, જેમના પરિવારોએ 1971માં દેશની આઝાદી માટે લડત આપી હતી. જેની સામે વિદ્યાર્થીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. દરેક જગ્યાએ દેખાવો થવા લાગ્યા હતા. વિદ્યાર્થીઓનો આ વિરોધ દેશભરમાં ફેલાઈ ગયો હતો અને હિંસામાં પરિણમ્યો હતો. જો કે, બાંગ્લાદેશની સર્વોચ્ચ અદાલતે આ ક્વોટા નાબૂદ કરી દીધો હતો, પરંતુ ત્યાં સુધીમાં આખો દેશ મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. વિપક્ષોએ પણ આ આંદોલનને વધુ વેગ આપ્યો હતો. પરિણામે બાંગ્લાદેશમાં ગુસ્સો વધુ વધ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી એવું લાગી રહ્યું હતું કે, બાંગ્લાદેશમાં સરકાર નામની કોઈ વસ્તુ જ નથી. વ્યાપક હિંસા, આગચંપી અને અરાજકતા હતી.

5. મીડિયા સેન્સરશિપ
હસીના વહીવટીતંત્રે પ્રેસની સ્વતંત્રતા પર અંકુશ લગાવવા બદલ ટીકાનો સામનો કરવો પડ્યો છે. સરકારની ટીકા કરતા પત્રકારો અને મીડિયા આઉટલેટ્સને વારંવાર પજવણી, કાનૂની કાર્યવાહી અથવા બંધનો સામનો કરવો પડ્યો હતો. તેનાથી દેશમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા પર વિપરીત અસર પડી હતી. ઘણાં લોકોને સરકારી પ્રવૃત્તિઓની જાણ કરવાના પ્રતિકૂળ પરિણામોનો ડર લાગવા લાગ્યો હતો.

હસીના એક ચતુર રાજકારણી છે, પરંતુ ઇતિહાસ હવે તેમને એક નેતા તરીકે યાદ કરશે કે જેઓ લોકપ્રિય જનાદેશ દ્વારા નહીં, પરંતુ દમન દ્વારા સત્તામાં રહ્યા હતા. બાદમાં તે પોતે જ દેશના ગુસ્સાનો શિકાર બન્યાં અને એક અપ્રિય સરમુખત્યારની જેમ તેમણે દેશ છોડીને ભાગી જવું પડ્યું હતું.