January 22, 2025

આ વ્યક્તિ બની શકે છે બાંગ્લાદેશના આગામી PM, નોબેલ પ્રાઇઝ વિનર

ઢાકાઃ બાંગ્લાદેશમાં અરાજકતા વચ્ચે મોહમ્મદ યુનુસ સેનાના વિશ્વાસ બાદ ત્યાં રચાનારી વચગાળાની સરકારમાં વડાપ્રધાન પદ સંભાળી શકે છે. સૂત્રોએ સોમવારે કહ્યું કે, દેશની સેના પણ નોબેલ પુરસ્કાર વિજેતા યુનુસના પીએમ બનવાના પક્ષમાં છે. બાંગ્લાદેશના સામાજિક ઉદ્યોગસાહસિક, બેંકર, અર્થશાસ્ત્રી અને નાગરિક સમાજના નેતા મુહમ્મદ યુનુસનો જન્મ 28 જૂન 1940ના રોજ થયો હતો.

તેમણે ગ્રામીણ બેંકની સ્થાપના કરી અને માઇક્રોક્રેડિટ અને માઇક્રોફાઇનાન્સના વિચારોની શરૂઆત કરી હતી. જેના માટે તેમને 2006માં નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ લોન એવા ઉદ્યોગ સાહસિકોને આપવામાં આવે છે, જે એટલા ગરીબ છે કે તેમને બેંક લોન મળી શકતી નથી. યુનુસ અને ગ્રામીણ બેંકને મળીને ‘માઈક્રોક્રેડિટ દ્વારા આર્થિક અને સામાજિક વિકાસને નીચેથી ઉપર સુધી લઈ જવાના તેમના પ્રયાસો બદલ’ નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો છે.

આ પણ વાંચોઃ શેખ હસીનાને લઈને મોટો દાવો, રાજનીતિમાં પરત ફરશે? છોકરાએ કહ્યું કે…

બીજી તરફ બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના વડાપ્રધાન પદેથી રાજીનામું આપીને ભારત આવ્યા છે. સોમવારે સાંજે તેમનું વિમાન યુપીના ગાઝિયાબાદમાં એરફોર્સના હિંડન એરબેઝ પર ઉતર્યું હતું. એવું માનવામાં આવે છે કે, શેખ હસીના હવે નવી દિલ્હીથી અન્ય કોઈ દેશ જવા રવાના થઈ શકે છે.

સૂત્રોનું કહેવું છે કે, શેખ હસીના લંડન જવાની તૈયારી કરી રહી છે. બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ ઈંગ્લેન્ડ સરકાર પાસે આશ્રય માગ્યો છે. આ દરમિયાન સંસદમાં પણ બાંગ્લાદેશનો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. લોકસભામાં ટીએમસી સાંસદે સંસદમાં બાંગ્લાદેશનો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ખુરશી પર બેઠેલા અધ્યક્ષ જગદંબિકા પાલે તેમને આ મુદ્દે બોલવા દીધા ન હતા.

આ પણ વાંચોઃ બાંગ્લાદેશ હિંસાનું પાકિસ્તાન કનેક્શન? બંગબંધુની મૂર્તિ તોડી, પરિસ્થિતિ બેકાબૂ

બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબર રહેમાનની 76 વર્ષીય પુત્રી હસીનાએ 2009થી આ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ દક્ષિણ એશિયાઈ દેશની બાગડોર સંભાળી હતી. જાન્યુઆરીમાં યોજાયેલી 12મી સામાન્ય ચૂંટણીમાં તેઓ સતત ચોથી વખત અને કુલ પાંચમી વખત વડાપ્રધાન તરીકે ચૂંટાયા હતા. પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાની મુખ્ય વિપક્ષી પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) અને તેના સહયોગીઓએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.

છેલ્લા બે દિવસમાં હસીનાની સરકાર વિરુદ્ધ પ્રદર્શનમાં 100થી વધુ લોકો માર્યા ગયા છે. વિવાદાસ્પદ ક્વોટા સિસ્ટમ સામે દેશમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે, જે હેઠળ 1971ના મુક્તિ સંગ્રામમાં લડનારાઓના પરિવારો માટે 30 ટકા નોકરીઓ આરક્ષિત છે.