December 30, 2024

નવરાત્રિમાં જેશોરેશ્વરી શક્તિપીઠમાંથી મુગટ ચોરાયો, PM મોદીએ ભેટમાં આપ્યો હતો

ઢાકાઃ જ્યારથી બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસની સરકાર સત્તામાં આવી છે, ત્યારથી હિન્દુઓ પર અત્યાચાર વધી ગયા છે. બાંગ્લાદેશમાં યુનુસ સરકાર પીએમ મોદીએ આપેલી ખાસ ભેટ પણ યોગ્ય રીતે સંભાળી શક્યા નથી. બાંગ્લાદેશના જેશોરેશ્વરી મંદિરમાંથી માતા કાલીનો કિંમતી મુગટ ચોરાઈ ગયો હતો. આ મુગટ એટલા માટે ખાસ હતો કારણ કે ત્રણ વર્ષ પહેલા પીએમ મોદીએ ભેટમાં આપ્યો હતો.

બાંગ્લાદેશના સતખીરાના જેશોરેશ્વરી મંદિરમાંથી કાલી દેવીનો મુગટ ચોરાઈ ગયો છે. અહેવાલો અનુસાર, આ મુગટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2021માં તેમની મુલાકાત દરમિયાન ભેટમાં આપ્યો હતો. બાંગ્લાદેશી અખબાર ડેઈલી સ્ટાર અનુસાર, ચાંદીથી બનેલો અને સોનાનો ઢોળ ચડાવેલો આ મુગટ ગુરુવારે બપોરે 2:00થી 2:30 વાગ્યાની વચ્ચે ચોરાઈ ગયો હતો. તે સમયે મંદિરના પૂજારી દિલીપ મુખર્જી પૂજા બાદ મંદિરની બહાર નીકળી ગયા હતા. બાદમાં સફાઈ કર્મચારીઓએ જોયું કે, દેવીના માથામાંથી મુગટ ગાયબ હતો.

51 શક્તિપીઠોમાંથી એક છે આ મંદિર
શ્યામનગર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર તૈજુલ ઈસ્લામે કહ્યું, ‘ચોરને ઓળખવા માટે અમે મંદિરના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહ્યા છીએ. ચોરાયેલો મુગટ ભક્તો માટે ખૂબ જ ધાર્મિક મહત્વ ધરાવે છે. કારણ કે જેશોરેશ્વરી મંદિર ભારત અને પડોશી દેશોમાં આવેલી 51 શક્તિપીઠોમાંનું એક માનવામાં આવે છે.’

મોદીએ 2021માં મુગટ ભેટમાં આપ્યો હતો
આ ઘટના નવરાત્રિ દરમિયાન બની હતી, જે હિન્દુ તહેવાર છે. આમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે, જેને મા કાલી તરીકે પણ પૂજવામાં આવે છે. વડાપ્રધાન મોદીએ માર્ચ 2021માં બાંગ્લાદેશની મુલાકાત દરમિયાન જેશોરેશ્વરી મંદિરને આ મુગટ અર્પણ કર્યો હતો. તેમણે પ્રતીકાત્મક હાવભાવ તરીકે માતા દેવીના માથા પર મુગટ મૂક્યો.

સાતખીરાના ઇશ્વરીપુરમાં આવેલું આ મંદિર કેમ ખાસ છે?
આ જેશોરેશ્વરી મંદિર 12મી સદીના ઉત્તરાર્ધમાં અનારી નામના બ્રાહ્મણ દ્વારા બનાવવામાં આવ્યું હતું. જેમણે જશોરેશ્વરી પીઠ માટે 100 દરવાજાનું મંદિર બનાવ્યું હતું. પછીથી 13મી સદીમાં લક્ષ્મણ સેન દ્વારા તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો અને અંતે 16મી સદીમાં આ મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું.

PM મોદીએ શું વચન આપ્યું હતું?
પીએમ મોદીએ તેમની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે, ભારત આ મંદિરમાં મલ્ટિપર્પઝ કોમ્યુનિટી હોલ બનાવશે. સ્થાનિક લોકો માટે સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક કાર્યક્રમો માટે તેના ઉપયોગ પર ભાર મૂકતા પીએમ મોદીએ કહ્યું હતું કે તે ચક્રવાત જેવી આપત્તિઓ દરમિયાન બધા માટે આશ્રયસ્થાન તરીકે કામ કરશે.