January 18, 2025

વિજય દિવસ પર વડાપ્રધાન મોદીની પોસ્ટથી બાંગ્લાદેશ નારાજ, યુનુસના સલાહકાર ભડક્યાં

Prime Minister Modi Post on Vijay Diwas: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિજય દિવસ પર એક પોસ્ટથી બાંગ્લાદેશ ચોંકી ઉઠ્યું છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારના કાયદાકીય સલાહકાર આસિફ નઝરુલે વિજય દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી ‘પોસ્ટ’ની નિંદા કરતા કહ્યું, આ જીતમાં “ભારત માત્ર એક સાથી હતો, એનાથી વધુ કંઈ નહીં.” વિજય દિવસ 16 ડિસેમ્બર 1971ના રોજ ભારતીય સેનાને પાકિસ્તાની સેનાના આત્મસમર્પણની યાદમાં ઉજવવામાં આવે છે.

નોંધનીય છે કે, ભારતની ઐતિહાસિક જીતના કારણે બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું હતું. મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસના કાર્યાલય દ્વારા પણ નઝરુલની ટિપ્પણીઓ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. મોદીએ 1971ની ઐતિહાસિક જીતમાં ભારતીય સૈનિકોને તેમના યોગદાન માટે શ્રદ્ધાંજલિ આપતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક ‘પોસ્ટ’ શેર કરી હતી. તે પોસ્ટનો સ્ક્રીનશોટ જોડીને નઝરુલે સોમવારે ફેસબુક પર બંગાળીમાં લખ્યું, “હું આનો સખત વિરોધ કરું છું.

બાંગ્લાદેશનો વિજય દિવસ 16 ડિસેમ્બરે છે
16 ડિસેમ્બર, 1971 એ બાંગ્લાદેશનો વિજય દિવસ છે. આ જીતમાં ભારત માત્ર સાથી હતું, એનાથી વધુ કંઈ નહીં. ‘ધ ડેઇલી સ્ટાર’ અખબારે મંગળવારે અહેવાલ આપ્યો હતો કે મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસના પ્રેસ સચિવ શફીકુલ આલમે નઝરુલની પોસ્ટ શેર કરી છે. દરમિયાન, ભેદભાવ વિરોધી વિદ્યાર્થી આંદોલનના કન્વીનર હસનત અબ્દુલ્લાએ પણ મોદીની પોસ્ટની ટીકા કરી હતી. તેણે ફેસબુક પર લખ્યું કે આ બાંગ્લાદેશનું મુક્તિ યુદ્ધ હતું અને તે પાકિસ્તાન સામે બાંગ્લાદેશની આઝાદી માટે હતું. તેમણે કહ્યું કે મોદીએ દાવો કર્યો કે આ સંપૂર્ણ રીતે ભારતનું યુદ્ધ છે અને તેની સિદ્ધિ છે અને તેમના નિવેદને બાંગ્લાદેશના અસ્તિત્વની અવગણના કરી છે. તેમણે કહ્યું, “જ્યારે ભારત આ સ્વતંત્રતાને તેની સિદ્ધિ તરીકે દાવો કરે છે, ત્યારે હું તેને આપણી સ્વતંત્રતા, સાર્વભૌમત્વ અને એકતા માટે જોખમ તરીકે જોઉં છું.