December 27, 2024

હિંદુઓનું નેતૃત્વ કરનાર ISKCONના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશ પોલીસે કરી ધરપકડ

Iskon Chinmoy Krishna Das Prabhu: ISKCON બાંગ્લાદેશના સેક્રેટરી ચિન્મય દાસ બ્રહ્મચારીની બાંગ્લાદેશ ડિટેક્ટીવ વિભાગે ઢાકા એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચિન્મય દાસની ઢાકાથી ચિતાગોંગ (ચટગાંવ) જતા સમયે ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ તેને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા હતા.

રાજદ્રોહનો કેસ નોંધાયો
બાંગ્લાદેશમાં ઇસ્કોન જૂથના અગ્રણી સભ્યોમાંના એક ચિન્મય દાસ બ્રહ્મચારી સામે દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસ 20 ઓક્ટોબરે ચિન્મય દાસ અને ચિતાગોંગ (ચટગાંવ)જિલ્લામાં હિંદુ સંગઠનોના અન્ય 19 નેતાઓ અને કાર્યકરો વિરુદ્ધ નોંધવામાં આવ્યો હતો. આરોપ છે કે 25 ઓક્ટોબરે ચિતાગોંગ (ચટગાંવ)માં યોજાયેલી રેલી દરમિયાન બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યું હતું, જ્યાં બાંગ્લાદેશના ધ્વજની ઉપર ઈસ્કોનનો ભગવો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.

હિન્દુઓ અને તેમના ધાર્મિક સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા
બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના આંદોલનને કારણે શેખ હસીનાની સરકારના પતન પછી ત્યાં રહેતા લઘુમતી હિન્દુઓ નિશાના હેઠળ છે. વિદ્યાર્થીઓના આંદોલન દરમિયાન હિન્દુઓ અને તેમના ધાર્મિક સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. બાંગ્લાદેશના મહેરપુરના ખુલનામાં સ્થિત ઈસ્કોન મંદિરને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. આ હુમલાને લઈને ચિન્મય પ્રભુએ હિંદુ મંદિરોની સુરક્ષાને લઈને ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.