January 19, 2025

બાણેજ: એકમાત્ર મતદાર માટે 15 જણાના પોલિંગ સ્ટાફની કરાય છે વ્યવસ્થા

રાજેશ ભજગોતર, ગીર સોમનાથ: દેશના એકમાત્ર મતદાર ધરાવતા મત કેન્દ્ર એવા ગીરગઢડાના બાણેજની જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા મુલાકાત લીધી હતી. જેમાં આ એકમાત્ર મતદાર માટે 15 જણાના પોલિંગ સ્ટાફની વ્યવસ્થા કરાઇ હતી. જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ અડધી બીડ જંગલ વચ્ચે આવેલ બાણેજ પહોંચીને મતદાનની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી હતી. એકમાત્ર મતદાર માટે પોલિંગ સ્ટાફ જંગલમાં 25 કિ.મી.ની મુસાફરી કરી બાણેજ ગામમાં પહોંચે છે.

મતદારોની દ્રષ્ટીએ ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, સાથે સાથે વિશાળ અને વૈવિધ્યસભર ભૂપૃષ્ઠોને કારણે પણ દેશનો એકપણ નાગરિક મતદાનના અધિકારથી વંચિત રહી ન જાય તે સુનિશ્ચિત કરવું એ પણ મોટો પડકાર છે, પરંતુ ભારતના ચૂંટણી પંચના ‘Every Vote Counts’ના અભિગમને સાર્થક કરવામાં ગીર સોમનાથ જિલ્લાનું ચૂંટણી તંત્ર પણ એટલું જ સુસજ્જ છે.

નોંધનીય છે કે, જ્યાં પરિવહનની જરૂરી વ્યવસ્થાઓના અભાવે પહોંચવું મુશ્કેલીભર્યું હોય છે અથવા મતદારોને મતદાન કરવા દૂર સુધીનું અંતર કાપવું પડે છે. આવી તમામ વિપરિત પરિસ્થિતિઓમાં પણ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ ડી. જાડેજાના નેતૃત્વમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગીરના જંગલોમાં આવેલા નેસ અને દેશના એક માત્ર મતદાર ધરાવતા બાણેજ સહિતના સ્થળોએ વિશિષ્ટ મતદાન મથકો તૈયાર કરી ભારતના ચૂંટણી પંચના ‘Every Vote Counts’ના સંકલ્પને સાર્થક કરવાના સંનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

કલેક્ટરે બાણેજ મતદાન મથકની મુલાકાત લીધી
ગીર સોમનાથ જિલ્લાના વડા મથક એવા વેરાવળ થી 80 કિલોમીટર દૂર આવેલ અને સૌથી નજીકના માનવ વસ્તીવાળા વિસ્તાર જામવાળાથી 25 કિલોમીટર દૂર અને અડાબેટ જંગલમાં આવેલ એકમાત્ર મતદાર ધરાવતા વ્યક્તિ માટે ઊભા કરવામાં આવેલ મતદાન મથક અને તેને સંલગ્ન વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે કલેક્ટર દિગ્વિજયસિંહ ડી.જાડેજાએ આજે સવારે મુલાકાત લીધી હતી.

15 જણાના પોલિંગ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવે છે
ઉલ્લેખનીય છે કે, દેશના આગવા અને અનોખા મતદાન મથકમાં સમાવિષ્ટ એવા બાણેજ ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એકમાત્ર મતદાર માટે 15 જણાના પોલિંગ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવે છે. ઉબડ-ખાબડ રસ્તાઓ વળોટીને ગીરના જંગલમાં આવેલ બાણેજ ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મંદિરની નજીક આવેલા વનવિભાગના ક્વાર્ટરમાં એક વ્યક્તિ માટે 1 પ્રિસાઈડિંગ ઓફિસર, 2 પોલિંગ એજન્ટ, 1 પટાવાળા, 2 પોલીસ તેમજ 1 સી.આર.પી.એફ. અને અન્ય સહાયક સ્ટાફ મળી 15થી વધુ વ્યક્તિઓની મતદાન સંબંધિત કામગીરી માટે નિયુક્તિ કરવામાં આવે છે.