વાવની ભાટવર શાળામાં શિક્ષિકાની બદલી થતા વિદ્યાર્થીઓ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યાં
બનાસકાંઠાઃ જિલ્લાના સરહદી વાવ તાલુકાના ભાટવર પગાર કેન્દ્ર શાળામાં છેલ્લા સાત વર્ષથી ગણિત-વિજ્ઞાન વિષયના શિક્ષિકા તરીકે ફરજ બજાવતા જ્યોતિબેન નટવરભાઈ પરમારની આદિજાતિ બાહુલ્ય ધરાવતા દાંતા તાલુકાના હડાદ પે સેન્ટર શાળામાં બદલી થતાં શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા વિદાય સમારંભ યોજાયો હતો.
આ પ્રસંગે શાળાના આચાર્ય, સ્ટાફ અને વિદ્યાર્થીઓએ તેમની બાળકોને ભણાવવાની આગવી શિક્ષણ શૈલીને વખાણી તેમના મિલનસાર સ્વભાવની પ્રશંસા કરી હતી. શિક્ષિકાની વિદાય વેળાએ શાળાના નાના બાળકો અને વિદ્યાર્થીઓએ શિક્ષિકાને વ્હાલપૂર્વક ભેટીને રડી પડતા સ્કૂલમાં લાગણીસભર દૃશ્યો સર્જાયા હતા.
શિક્ષિકા જ્યોતિ પરમાર PTC ઉપરાંત B.sc, B.ed ડિગ્રી ધરાવે છે. તેઓ ભાટવર પ્રાથમિક શાળામાં ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓને ગણિત-વિજ્ઞાન વિષય ભણાવતા હતાં. તેમની તાજેતરમાં દાંતા તાલુકાના હડાદમાં બદલી થતાં ગઈકાલ તારીખ 23 સપ્ટેમ્બરે શાળામાં વિદાય સમારંભ યોજાયો હતો.