January 22, 2025

પહેલા વરસાદે ભ્રષ્ટાચારની પોલ ખોલી, આવાસ યોજનાના પાયા ધોવાયાં!

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ ચાર માસ અગાઉ રાજ્યના મુખ્યમંત્રીએ વડગામ તાલુકાના જલોત્રામાં 94 આવાસનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ ચાર માસ પછી પ્રથમ જ વરસાદમાં 94 મકાનોનાં પાયા ખુલ્લા પડી ગયા છે અને આ મકાનમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. સમાજ કલ્યાણ વિભાગ અંતર્ગત પંડિત દિનદયાળ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આ મકાનોને લાભાર્થીઓને ફાળવ્યા હતા. ત્યારબાદ શ્રી શક્તિ સેવા કેન્દ્રએ આ મકાનોનું નિર્માણ કર્યું હતું પરંતુ પ્રથમ વરસાદે તંત્ર અને શ્રી શક્તિ સેવા કેન્દ્રની ભ્રષ્ટાચારની પોલ ખોલી છે.

જરૂરિયાત મંદ લોકોને પાકા મકાનો મળી રહે તે હેતુથી પંડિત દિનદયાળ યોજના અંતર્ગત 2.35 કરોડના ખર્ચે વડગામ તાલુકાના જલોત્રામાં 94 મકાનોનું ચાર માસ અગાઉ નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ ગઈકાલે બે ઇંચ જેટલો જલોત્રામાં વરસાદ પડ્યો અને 94 મકાનના પાયા ખુલ્લા થઈ ગયા છે. ચાર માસ પહેલાં બનેલા અનેક મકાનોમાં તિરાડો પડી છે. તો પાણી નિકાલની વ્યવસ્થા નથી અને પાયાની નીચે માત્ર પથ્થર ગોઠવી અને તેની પર મકાનનું ખોખું ઊભું કરી દેવાયું છે. જો કે, બે ઇંચ વરસાદમાં જ ભ્રષ્ટાચારની પોલ ખોલી છે. જો પાંચથી છ ઇંચ વરસાદ પડ્યો હોત તો અનેક મકાનો ધરાશાયી થયા હોત અને અનેક લોકોના જીવ પણ ગયા હોત.

ત્યારે ગઈકાલે પડેલા વરસાદથી મકાનના પાયા ખુલ્લા થયા તેને કારણે અનેક પરિવારોએ આખી રાત ભયમાં વિતાવી છે. કેટલાક પરિવારો તો આ મકાન છોડીને રાત્રે ચાલ્યા ગયા હતા. જો કે, મકાનના નિર્માણ સમયે આ લાભાર્થીઓ પાસેથી પણ 15 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી બે દિવસ જલોત્રામાં રોકાયા હતા અને આવાસોનું લોકાર્પણ કર્યું હતું. ત્યારે જરૂરિયાતમંદ લોકોને અપેક્ષા હતી કે, પાકું ઘર મળી રહેશે અને તે શાંતિથી જિંદગી કાઢી શકાશે. પરંતુ પ્રથમ વરસાદે જ શ્રી શક્તિ કેન્દ્ર અને તંત્રના ભ્રષ્ટાચારની પોલ ખોલી છે. પરંતુ આ વચ્ચે 94 જેટલા પરિવારો હવે અટવાયા છે કે, આ પ્રકારના મકાનોની સ્થિતિમાં ક્યાં રહેવું.

પંડિત દિનદયાળ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સમાજ કલ્યાણ વિભાગ જરૂરિયાતમંદ લાભાર્થીઓને આવાસ ફાળવતો હોય છે. આ લાભાર્થીઓએ પોતે કામ કરવાનું હોય છે પરંતુ સમાજ કલ્યાણ અને શ્રી શક્તિ સેવા કેન્દ્રના સહયોગથી શ્રી શક્તિ સેવા કેન્દ્રએ આ મકાનનું કામ કર્યું છે. આ હલકી ગુણવત્તાવાળા કામને લઈને તંત્ર પણ હવે દોડતું થયું છે. માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયરિંગ પણ નિરીક્ષણ કર્યું છે. પરંતુ પીએમ આવાસ યોજનાનું નામ હોવાથી તેઓ પણ સૂચક મૌનમાં માની રહ્યા હતા.