November 15, 2024

બે દિવસ પડેલા વરસાદ બાદ બનાસકાંઠામાં નુકસાની સર્જાઈ, ખેડૂતોને ભારે નુકસાન

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ જિલ્લામાં બે દિવસ પડેલા વરસાદ અને ભારે પવને જિલ્લાના વડગામના જલોત્રા સહિત સરહદીય વિસ્તારોમાં નુકસાની સર્જી છે. ભારે પવન સાથે થયેલા વરસાદને પગલે વડગામના જલોત્રા ગામે અનેક પશુઓના ઢાળીયાના છાપરા ઉડી ગયા. તો પપૈયાની ખેતી કરતા ખેડૂતોના પપૈયાના છોડ જમીનદોસ્ત થઈ જતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

15 દિવસના વિરામ બાદ છેલ્લા બે દિવસથી બનાસકાંઠા જિલ્લામાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં થઈ રહ્યા છે. ગઈકાલે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા જિલ્લાવાસીઓને તો ભારે ઉકળાટમાંથી મુક્તિ મળી છે. પરંતુ બીજી તરફ ભારે પવન સાથે થયેલા ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારમાં નુકસાની સર્જાઈ છે. વડગામના જલોત્રા ગામે ભારે પવન સાથે ધોધમાર વરસાદ થતાં અનેક પશુઓના ઢાળિયા તેમજ કાચા મકાનોના પતરાં ઉડી ગયા છે. આ સાથે જ વિસ્તારમાં પપૈયાની ખેતી કરતા ખેડૂતોના છોડ જમીનદોસ્ત થતા લાખો રૂપિયાનો ખર્ચ કરી મોંઘી દાટ પપૈયાની ખેતી કરતા ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે.

બીજી તરફ જિલ્લાના સરહદીય વિસ્તારોમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો અને આ વરસાદને પગલે ખેડૂતોએ ખેતરોમાં મોંઘાદાટ બિયારણો લાવી ઉગાડેલી બાજરી, જુવાર સહિતનો પાકનો સોંથો વળી ગયો છે. તેને કારણે ખેડૂતોએ ખેતરોમાં ઉગાડેલી બાજરી તેમજ જુવારનો પાક નાશ થતાં ખેડૂતોએ પાક પાછળ કરેલો ખર્ચ અને તે બાદની મહેનત પાણીમાં ધોવાઈ ગઈ છે. હવે ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે.

ભારે પવન અને ધોધમાર વરસાદે ખેડૂતોના ખેતરોમાં નુકસાની તો સર્જી પરંતુ હવે આ ખેડૂતો સરકાર પાસે સહાયની મીટ માંડતા જોવા મળી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે, છેલ્લા કેટલાય સમયથી અમે નુકસાની ભોગવતા આવીએ છીએ ત્યારે હવે સરકાર અમને કંઈક મદદ કરે તો જ અમે ઉભા થઈ શકીશું.