December 19, 2024

થળી જાગીર મઠના મહંત પદની ગાદી માટે ખેંચતાણ, દસનામી ગોસ્વામી સમાજ મેદાને

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ કાંકરેજના થળી જાગીર મઠનો વિવાદ છેલ્લા એક માસથી ચાલી રહ્યો છે. થળી જાગીર મઠના મહંતની ગાદી પર બેસવા ધમપછાડા થઈ રહ્યા છે. ત્યારે આ વિવાદ હવે રોડ પર પહોંચ્યો છે. પાલનપુરમાં દસનામ ગોસ્વામી સમાજ અને દસનામ ગોસ્વામી સમાજના મહંત કાર્તિકપુરી સહિત મોટી સંખ્યામાં સમાજ એકઠો થયો છે અને રામલીલા મેદાનથી રેલી નીકાળી અને કલેક્ટરને આ વિનંતી પત્ર આપશે.

થળી જાગીર મઠનો વિવાદ કેવળપુરી મહારાજના નિધન પછી દેવ દરબારગઢના મહંત દ્વારા થળી જાગીર મઠના મહંત પદે શંકરપુરી મહારાજને બેસાડી દીધા બાદ દશનામ ગોસ્વામી સમાજે કેવલપુરી મહારાજના ભત્રીજા કાર્તિકપુરીને પણ મઠના ગાદીપતિ તરીકે બેસાડી દીધા હતા. હવે મહંત બે છે અને ગાદી એક છે એટલે વિવાદ થયો છે.

એક તરફ કાર્તિકપુરી અને દસનામ ગોસ્વામી સમાજના આક્ષેપો છે કે, દેવગઢ દરબારગઢના મહંત ગોસ્વામી સમાજ વિશે અભદ્ર શબ્દો બોલ્યા છે અને થળી જાગીરમઠમાં લૂંટફાટ કરી છે, પૈસા ખાઈ ગયા છે. આ તમામ આક્ષેપો આજે થઈ રહ્યા છે, ત્યારે થળી જાગીર મઠના વિવાદમાં હવે કાંકરેજ પંથકના લોકો સહિત સંતો અને મહંતો આજના વિરોધ કાર્યક્રમમાં જોડાયા છે.

તેમનું માનવું છે કે, મહંત કાર્તિકપુરીને જાગીર મઠના મહંત બનાવવા જોઈએ અને શંકરગીરીને દૂર કરવા જોઈએ અને થળી જાગીર મઠનો કબ્જો ગુનાહિત પ્રવૃત્તિથી દરબારગઢના મહંત દ્વારા કબ્જો કરાવી દીધો છે અને મઠની જગ્યામાં શંકરપુરીને ખોટા બનાવી બેસાડી દીધા છે. ત્યારે હવે આ વિવાદ રોડ પર તો આવ્યો છે. પરંતુ આગામી સમયમાં આ વિવાદ ક્યાં જઈને અટકે છે તે જોવાનું રહેશે.