December 23, 2024

લાંબા વિરામ બાદ બનાસકાંઠાના પાલનપુર અને દાંતામાં ભારે વરસાદ

બનાસકાંઠા: આજે ઉત્તર ગુજરાતના સરહદી રાજ્ય બનાસકાંઠામાં મેઘરાજા મહેરબાન થયા છે. લાંબા સમય માટે વિરામ લીધા બાદ આજે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અને દાંતામાં ધોધમાર વરસાદ થયો છે. પાલનપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારો અને દાંતા તાલુકાના અનેક ગામોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ થયો હતો.

આજે પાલનપુરમાં 1 કલાકમાં દોઢ ઇંચથી વધુ વરસાદ ખબક્યો છે. ભારે પવન સાથે પાલનપુર સહીત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો છે. આજે અચાનક થયેલા વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. અચાનક વરસી પડેલા વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાય હતા. વરસાદી પાણી ભરાવાને કારણે વાહનચાલકોને હાલાકીની સામનો કરવો પડ્યો હતો. તો, દોઢ ઇંચ વરસાદમાં પાલનપુરમાં રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા.

તો પાલનપુરની સાથે સાથે બનાસકાંઠાના દાંતા તાલુકામાં પણ આજે ભારે વરસાદ થયો છે. દાંતા તાલુકાના સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ થયો હતો. ભારે વરસાદને કારણે રોડ રસ્તાઓ અને સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા. લાંબા સમયના વિરામ બાદ આજે ફરી દાંતામાં મેઘ મહેર થતાં ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી હતી. દાંતા – અંબાજી તથા આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થયો હતો. ધોધમાર વરસાદથી દાંતા તાલુકાના અનેક ગામોના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા.