December 17, 2024

કમોસમી વરસાદે ખેડૂતોને રોવડાવ્યાં, પપૈયાનો પાક બરબાદ થયો

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ જિલ્લામાં થયેલો કમોસમી વરસાદ ખેડૂતોના ખેતરોમાં નુકસાન કરી રહ્યો છે. જિલ્લા મથક પાલનપુરના ધાણધાર પંથકમાં ગઈ કાલે સાંજે ભારે પવન સાથે કમોસમી વરસાદ થયો અને ધાણધા, જલોત્રા, ધનપુરા સહિતના વિસ્તારોમાં ખેડૂતોના ખેતરમાં ઉભેલા પાકનો સોંથો વાળી દીધો છે. ભરઉનાળે કમોસમી વરસાદ થતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે.

હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર, ગઈકાલે બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. જિલ્લા મથક પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. પાલનપુરના ધાણધા, જલોત્રા, ધનપુરા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ થતા ખેડૂતોના ખેતરોમાં ઉભેલા પાકનો સોંથો વળી ગયો છે.

મહત્વની વાત છે કે, ભારે પવન સાથે કમોસમી વરસાદ થતા બાગાયતી ખેતી કરનારા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતોના ખેતરોમાં પાકની શું સ્થિતિ છે, તે જાણવા ન્યૂઝ કેપિટલ પહોંચ્યું હતું. પાલનપુરના ધાણધા ગામે રહેતા લક્ષ્મણભાઈના ખેતરમાં વાવેલા પપૈયા જમીનદોસ્ત થતા તૈયાર થયેલો પાક વ્યર્થ ગયો છે અને તેને જ કારણે ખેડૂતને વારંવાર નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.