December 19, 2024

સ્ટેશનરીના વેપારીનું અનોખું કાર્ય, ગરીબ વિદ્યાર્થીઓ માટે શરૂ કરૂ ‘બુક બેન્ક’

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ ગુજરાતીમાં એક કહેવત છે કે વિદ્યાદાન એ મહાદાન, પરંતુ 21મી સદીમાં દિવસેને દિવસે મોઘુંદાટ થતું શિક્ષણ આ કહેવતને નકારી રહ્યું છે. તેવામાં બનાસકાંઠાના એક સ્ટેશનરીના વેપારીએ આ કહેવતને સાર્થક કરી છે.

ભારતીય સંસ્કૃતિમાં વિદ્યાદાન એ મહાદાન છે, પરંતુ એક તરફ 21મી સદીમાં દિવસેને દિવસે શિક્ષણ મોંઘુ થઈ રહ્યું છે અને તેવા સમયે મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોના સંતાનોને સારું શિક્ષણ અપાવવાના સપના રોળાઈ રહ્યા છે. શિક્ષણ એટલું મોંઘું થયું છે કે, ગરીબ પરિવાર તો સંતાનોને શાળાએ મોકલવું તો દૂર પરંતુ પુસ્તક પણ ન ખરીદી શકે. તેવા સમયે જિલ્લા મથક પાલનપુરમાં સ્ટેશનરીના વ્યવસાય સાથે સંકળાયેલા હરેશભાઈ પટેલે વ્યવસાયની સાથે સાથે વિદ્યાદાનનો દીપ પ્રગટાવ્યો છે.

હરેશભાઈ પટેલ પાલનપુરના કોઝી વિસ્તારમાં સ્ટેશનરીની દુકાન ધરાવે છે અને શાળાઓ ખુલવાના સમયે લોકો તેમની દુકાને પુસ્તક ખરીદવા પહોંચતા હોય છે. ત્યારે હરેશભાઈએ જિલ્લામાં અનેક એવા પરિવારો છે કે, જેમના બાળકોને સારું ભણી સારા સ્તરે પહોંચવું છે. પરંતુ પરિવારની આર્થિક પરિસ્થિતિને કારણે આવા ગરીબ પરિવારના બાળકો સપના સર કરી શકતા નથી અને આખરે મોંઘાદાટ થતા શિક્ષણને કારણે આવા ગરીબ પરિવારના બાળકો સપના તોડવા મજબૂર બનતા હોય છે. ત્યારે આવા પરિવારોના બાળકોનાં સપના રોળાય નહીં તેને લઈ હરેશભાઈએ આ બુક બેંક તૈયાર કરી છે. તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે.

હરેશભાઈની દુકાને પુસ્તક ખરીદવા આવતા લોકો તેમની સાથે સંતાનોના અભ્યાસના જૂના થયેલા પુસ્તકો ભંગારમાં વેચી દેતા હતા. પરંતુ હવે આ બુક બેંકમાં લઈને આવે છે અને આ બુક બેંકમાં મૂકી દે છે. આ સાથે જ એવા સ્લમ પરિવારના બાળકો પણ આ બુક બેંકમાં આવે છે કે, જેમને પુસ્તકની જરૂર છે અને તેમને અહીંથી નિશુલ્ક પુસ્તક પણ મળી રહે છે અને તેઓ આ પુસ્તકથી અભ્યાસ આગળ ધપાવી શકે છે. છેલ્લા 3 વર્ષથી ચાલતા હરેશભાઈના આ પુસ્તક બેન્કથી અનેક એવા વિદ્યાર્થીઓ છે કે, જેમના સપના રોળાઈ જાત પરંતુ આ બુક બેન્કમાંથી પુસ્તકો મેળવીને બાળકોના સપના સાકાર થયા છે. ત્યારે અત્યારે તો હરેશભાઈની આ બુક બેન્ક સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. હરેશભાઈનું સપનું છે કે, આવી બુક બેન્ક અનેક વિસ્તારોમાં શરૂ થાય તો અનેક બાળકો પોતાનું ભવિષ્ય બનાવી શકે.