January 8, 2025

વધુ એક પોન્ઝી સ્કિમ ચલાવતી કંપનીનું ઉઠામણું, કરોડોની છેતરપિંડી કરી હોવાની આશંકા

બનાસકાંઠાઃ BZ ગ્રુપની પોન્ઝી સ્કિમના સ્કેમ બાદ વધુ એક કંપનીનું ઉઠામણું થયું છે. પાલનપુરની પ્રસિદ્ધિ મલ્ટી ગ્રુપ કંપનીને તાળા લાગ્યા છે. મજાદરનો રમણ નાઈ નામનો શખ્સ આ પ્રસિદ્ધિ ગ્રુપ ચલાવતો હતો.

આ કંપનીની પાલનપુર, મહેસાણા, ધાંગધ્રા જેવા વિસ્તારોમાં બ્રાન્ચ ખોલી હતી. ધાંગધ્રાના મેથણ ગામના લોકો આ પોન્ઝી સ્કિમનો ભોગ બન્યા છે. ઉલ્લેખનીય છે કે, આ મામલે ધાંગધ્રા તાલુકા પોલીસ મથકે અરજી કરવામાં આવી હતી.

પાલનપુરની હાઈવે સ્થિત બ્રાન્ચમાં છેલ્લા ત્રણ માસથી તાળા લાગેલા જોવા મળી રહ્યા છે. પ્રસિદ્ધિનો પ્રોપરાઇટર રમણ નાઈ પહેલા પલ્સમાં એજન્ટ તરીકે કામ કરતો હતો. પલ્સમાં દેવું થઈ જતા તેની પત્ની સાથે મળીને પ્રસિદ્ધિ ગ્રુપ નામની બ્રાન્ચ શરૂ કરી હતી.

પોન્ઝી સ્કીમના નામે લોકોના નાણાં રોકાવડાવી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની આશંકા છે. બનાસકાંઠામાં પણ રોકાણકારોના નાણાં સલવાયા હોવાની ચર્ચાઓ થઈ રહી છે. હાલ પ્રોપરાઇટર રમણ નાઈ અને તેની પત્ની ફરાર છે.