પાલનપુર માર્કેટ યાર્ડમાં ભીષણ આગ, 10 દુકાનો ચપેટમાં
બનાસકાંઠાઃ પાલનપુરના માર્કેટ યાર્ડમાં ભીષણ આગ લાગી છે. મળતી માહિતી પ્રમાણે, માર્કેટ યાર્ડમાં આવેલી અનાજની 10 દુકાનમાં ભયંકર આગ લાગી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી.
માર્કેટ યાર્ડમાં અનાજ ભરેલી 10 દુકાનમાં આગ લાગી છે. ત્યારે દુકાનોમાં અનાજ ભરેલું હોવાથી કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આગ લાગતા જ ફાયરવિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. તેને લઈને પાલનપુર પાલિકાના 7 જેટલા ફાયર ફાઇટર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ ઉપરાંત મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને કાર્યવાહી હાથ ધરી છે.
આગ બુઝાવતી વખતે 5 ફાયર ફાઇટરના લાયબંબામાં પાણી ખૂટી ગયા હતા. તો બીજી તરફ, આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠાં થઈ ગયા હતા. ત્યારે ટોળાને કારણે ફાયર વિભાગને આગ પર કાબૂ લેવામાં મુશ્કેલી પડી રહી છે.
હાલ માહિતી પ્રમાણે, માર્કેટ યાર્ડમાં આવેલી 3 દુકાનો સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ છે. એસપી અક્ષયરાજ મકવાણા પણ ઉચ્ચ અધિકારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા છે. આ ઉપરાંત બનાસકાંઠાના કલેક્ટર અરુણ બરણવાલ પણ પહોંચી ગયા છે અને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે.
ગૃહમંત્રીએ ચાલુ સત્રમાં બહાર જઈ સૂચના આપી
ગાંધીનગરમાં ચાલુ સત્ર દરમિયાન પ્રભારી મંત્રી હાલ કાર્યવાહીમાં વ્યસ્ત હોવાથી અધ્યક્ષે મુખ્યમંત્રીને આગની ઘટના અંગે ધ્યાન દોર્યું છે. તેમણે મુખ્યમંત્રી અથવા ગૃહમંત્રીને જવાબદારી લઈને વધુ નુકસાન અટકે તે માટે સૂચના આપી છે. ત્યારે રાજ્યના ગૃહમંત્રીએ અધ્યક્ષની રજૂઆત બાદ બહાર જઈને સ્થાનિક તંત્રને સૂચના આપી છે.