September 8, 2024

જગાણાથી ભાગળનો રસ્તો બિસ્માર, ઠેર ઠેર મોટાં ખાડાં પડતાં અકસ્માતનો ભય

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ પાલનપુર તાલુકાના જગાણાથી ભાગળ જતો પાંચ કિલોમીટરનો માર્ગ બિસ્માર બન્યો છે. ઠેર ઠેર મોટા ખાડાં પડી ગયાં છે. તો પાણીના નિકાલ માટે છ માસ અગાઉ રોડ પર બનાવેલું નાળું વરસાદમાં ધોવાઈ ગયું છે અને જેને કારણે વાહનચાલકો-સ્થાનિકો ભયના વધારે હેઠળ આ રોડ પરથી પસાર થઈ રહ્યા છે. જો કે, માર્ગ અને મકાન જિલ્લા પંચાયત વિભાગે નાળું ધોવાવાને મામલે હાથ અદ્ધર કરી દીધાં છે.

પાલનપુર તાલુકામાં સિઝનનો માત્ર ત્રણ ઇંચ વરસાદ થયો છે અને પાલનપુર તાલુકામાં ઠેર ઠેર રોડ રસ્તા પર મોટા મોટા ખાડાં પડી જતાં લોકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. જો કે, પાલનપુર તાલુકાના જગાણાથી ભાગળ જવાના પાંચ કિલોમીટરનો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. જગાણા ભાગળ સાગોરસના ગઠામણ ચડોતર વેડંચા જવાનો આ માર્ગ બિસ્માર બની જતા અનેક વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. ભાગલ ગામના 800થી 1000 જેટલા વિદ્યાર્થીઓ શાળામાં જવા માટે અહીંથી અપડાઉન કરે છે. ત્યારે માર્ગ બિસ્માર હોવાને કારણે અકસ્માતના જોખમ અને ભયના ઓથાર હેઠળ અહીંથી વાહન લઈને પસાર થઈ રહ્યા છે.

જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા છ માસ અગાઉ બનાવેલા વરસાદી પાણીના નિકાલ માટેનું નાળું તૂટી ગયું છે. તેનું ધોવાણ થઈ ગયું છે. જગાણાથી ભાગલ રોડ ઉપર પાણીના નિકાલ માટે માર્ગ અને મકાન વિભાગે છ માસ અગાઉ જ નાળું બનાવ્યું હતું. પરંતુ પ્રથમ વરસાદમાં જ આ નાળું તૂટી ગયું છે અને ધોવાણ થયું છે. જો કે, નાળું તૂટી જતા અહીંથી જતા વાહનચાલકો ભયના ઓથાર હેઠળ ચાલી રહ્યા છે. ત્યારે સરપંચ સહિત આગેવાનોએ પણ અનેકવાર માર્ગ અને મકાન વિભાગની રજૂઆત કરી છે. પરંતુ તેનું પરિણામ શૂન્ય છે. અત્યારે તો બિસ્માર માર્ગ અને તૂટી જવા ગયેલા નાલાને કારણે અનેક મુશ્કેલીઓ પાંચ ગામના લોકો ભોગવી રહ્યા છે.

માર્ગ અને મકાન વિભાગે વરસાદી પાણીના નિકાલ માટે છ માસ અગાઉ બનાવેલું નાળું પ્રથમ વરસાદમાં જ તૂટી અને ધોવાઈ ગયું છે. જેને કારણે અકસ્માતનો ભય સતાવે છે. પરંતુ હલકી ગુણવત્તાવાળા કામને ઢાંકવા માટે માર્ગ અને મકાન વિભાગનું કહેવું છે કે, આવી નાની નાની બાબતો પર અમારું ધ્યાન રહેતું નથી.