January 22, 2025

ગોબરી તળાવનો પાળો તૂટતા ખેતરોમાં પાણી ઘૂસ્યાં, ખેડૂતો પાયમાલ થવાની કગારે

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ પાલનપુરમાં ગઈકાલે 3.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો અને જેને કારણે પાલનપુરના ગોબરી તળાવનો પાળો તૂટી ગયો હતો અને 30 ફૂટથી વધુનું ગાબડું પડી ગયું હતું. તેને લીધે આસપાસના ખેડૂતોના ખેતરમાં પાણી ઘૂસી ગયા હતા. મગફળી બાજરી અને ફુલેવરના પાકને નુકસાન પહોંચ્યું હતું. આ સાથે આસ્થાના પ્રતિક ગોગા મહારાજનું મંદિર પણ પાણીમાં ગરકાવ થતા ભક્તોની પણ લાગણી દુભાઈ છે.

પાલનપુર શહેરનું ગંદુ અને વરસાદી પાણી પાલનપુર નજીક આવેલા ગોબરી તળાવમાં ઠલવાય છે. દર વર્ષે આ પ્રશ્ન સર્જાય છે. ગોબરી તળાવ ઓવરફ્લો થાય એટલે એનો પાળો તૂટી જાય છે અને ખેડૂતોને દર વર્ષે નુકસાન ભોગવે છે. ત્યારે ગઈકાલે 3.5 ઇંચ પડેલા વરસાદનું પાણી ગોબરી તળાવમાં ગયું અને 30 ફૂટથી વધુનું તળાવમાં ગાબડું પડી ગયું હતું. તેને કારણે આજુબાજુના 35થી 40 વીઘામાં આ તળાવના ગંદા પાણી ફરી વળ્ હતા. તેનાથી બાજરી, મગફળી, ફુલેવર સહિતના પાકોને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે, અમારે વળતર નથી જોઈતું પરંતુ નગરપાલિકા અને તંત્ર આ પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરે તો દર વર્ષે થતું નુકસાન અટકે.

ગોબરી તળાવ આસપાસ 350 પરિવારો રહે છે અને બાજુમાં 35થી 40 વીઘામાં ખેડૂતોની જમીન આવેલી છે. ત્યાં ખેતી કરી મોંઘા ભાવના બિયારણ લાવી ખેડૂતોએ મગફળી, બાજરી, ફુલાવર, શાકભાજી જેવા પાકોની ખેતી કરી હતી. પરંતુ તળાવનો પાળો તૂટતા ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

બીજી તરફ અહીંયા વર્ષો જૂનું ગોગા મહારાજનું મંદિર આવેલું છે અને આસ્થાના પ્રતિકસમા મંદિરે આખા લક્ષ્મીપુરા ગામ સહિત આજુબાજુના લોકો પણ દર્શન કરવા આવે છે. પરંતુ ગોબરી તળાવ ફાટતા આ પાણી મંદિર પરિસરમાં ઘૂસી ગયા હતા. પાણી મંદિરમાં ઘૂસી જતા મંદિર પાણીમાં ગરકાવ થયું હતું. મંદિરમાં જવા આવવાનો રસ્તો પણ બંધ થઈ ગયો હતો. જો કે, નાગ પાંચમના દિવસે પણ ભક્તો દર્શન કરી ન શક્યા હતા અને જેને લઈને તેમની લાગણી દુભાઈ છે અને તેમની માગ છે કે આ પાણીનો યોગ્ય નિકાલ થાય.