December 28, 2024

પાલનપુર-અંબાજી હાઇવે પાણી-પાણી, ભારે વરસાદને કારણે વાહનચાલકો મુશ્કેલીમાં

બનાસકાંઠાઃ મોડી રાતથી સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો હતો. ત્યારે પાલનપુરમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. પાલનપુર-અંબાજી હાઇવે જાણે સ્વિમિંગ પુલ બની ગયો હોય તેવા દૃશ્યો સર્જાયા છે. ત્યારે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

ભારે વરસાદને પગલે પાલનપુર-અંબાજી હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ત્યારે વાહનવ્યવહારમાં વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. વર્ષોથી આ સમસ્યા નડી રહી છે પરંતુ તંત્ર આંખ આડા કાન કરી રહી હોવાનો સ્થાનિક આક્ષેપ કરી રહ્યા છે.

નેશનલ હાઇવે ઓથોરિટી આ મામલે કોઈ કાર્યવાહી કરતી ન હોવાનો પણ વાહનચાલકો આક્ષેપ કરી રહ્યા છે. પોલિટેક્નિક રોડ, ધનિયાણા ચાર રસ્તા અને અંબાજી હાઇવે પર પાણી ભરાઈ ગયા છે. હાઇવે પર પાણી ભરાવવાથી અનેક વાહનો પણ બંધ પડી ગયા છે. તો બીજી તરફ, રાહદારીઓને પણ તેને કારણે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.