December 24, 2024

બાળ શિવે ત્રિશૂળ જમીનમાં મારી પાણી કાઢ્યું, ‘બાલારામ મહાદેવ’ પર અવિરત થાય છે જળાભિષેક

વિવેક ચુડાસમા, બનાસકાંઠાઃ શ્રાવણ મહિનાના 19મા દિવસે શિવાલયયાત્રા પહોંચી ગઈ છે બનાસકાંઠા જિલ્લામાં. જંગલમધ્યે બિરાજમાન ‘બાલારામ મહાદેવ’ના દર્શન કરતાં જ મનમાં શાંતિનો ભાવ વ્યાપી જાય છે. આવો જાણીએ આ મંદિરનો ઇતિહાસ અને તેની સાથે જોડાયેલી અવનવી વાતો…

આ મંદિરની ગણના ઐતિહાસિક મંદિરોમાં થાય છે. બાલારામ મહાદેવના ગર્ભગૃહમાં થોડું અલગ દૃશ્ય જોવા મળે છે. સામાન્ય રીતે કોઈપણ શિવાલયમાં નંદી મહારાજ શિવલિંગની આગળના ભાગે હોય છે. પરંતુ બાલારામ મંદિરમાં નંદી મહારાજ શિવલિંગની પાછળના ભાગે છે. તેમાં પણ સૌથી આશ્ચર્યચકિત કરે તેવી વાત એ છે કે, નંદી મહારાજના મુખમાંથી 24 કલાક શિવલિંગ પર પાણીની જળધારા થતી રહે છે.

આ ધામને મીની કાશ્મીર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર પાછળ એક અનોખી લોકવાયકા જોડાયેલી છે. આ સાથે મંદિરનું પૌરાણિક મહત્ત્વ ભક્તોને પોતાની તરફ આકર્ષિત કરે છે.

બનાસકાંઠા જિલ્લામાં અરવલ્લીની ગિરમાળા વચ્ચે બાલારામ મહાદેવનું શિવાલય આવેલું છે. છપ્પનિયા દુકાળ દરમિયાન ઘણાં લોકો ખોરાક અને પાણીની શોધમાં ભટકી રહ્યા હતા. ત્યારે આ વિસ્તારમાં અમુક ચરવાઓ પાણી શોધતા શોધતા પરિવાર સાથે આવ્યા હતા. આજે જ્યાં મંદિર આવેલું છે એ જગ્યાએ પશુપાલકો બાળકોને મૂકીને આગળ વધ્યા હતા. ત્યારે ભગવાન નાના બાળકના સ્વરૂપમાં પ્રગટ થયા હતા. ભગવાને ત્રિશૂળ મારી જળ ઉત્પન્ન કર્યું અને બાળકોની તરસ છીપાવી હતી.

છપ્પનિયો દુકાળ પૂરો થયા બાદ સારો વરસાદ વરસતા પશુપાલકો વતન તરફ પાછા ફરી રહ્યા હતા. તે સમયે બાળકોને સ્વસ્થ જોઈને તેમને આશ્ચર્ય થયું હતું. તેમણે બાળકોને આ અંગેનું કારણ પૂછ્યું, ત્યારે બાળકોએ કહ્યું હતું કે, એક દિવ્ય બાળકે અમને જળપાન કરાવી જીવનદાન આપ્યું છે. બાળકોના પરિવારજનો જ્યારે તે દિવ્ય બાળકને જોવા આવ્યા, ત્યારે તે દિવ્ય બાળક લિંગમાં બિરાજમાન થઈ ગયું હતું. ત્યારથી અહીં ભગવાન ઉપર અખંડ જળધારા થઈ અભિષેક કરી રહી છે. આ જળધારા ક્યાંથી વહે છે, એનું સાચું કારણ આજ સુઘી કોઈ જાણી શક્યું નથી.

બાલારામ મહાદેવની જગ્યાને મીની કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે. આ જગ્યા જંગલમધ્યે આવેલી છે. પ્રકૃતિ અહીં સોળે કળાએ ખીલે છે. બાજુમાંથી જ બનાસ નદી પસાર થાય છે. શિવરાત્રિના દિવસે અહીં મેળો ભરાય છે. આ શિવાલયમાં ખાસ કરીને નાના બાળકો માટે માનતા રાખવામાં આવે છે.

કેવી રીતે પહોંચવું?
ગુજરાતના દરેક શહેરથી બનાસકાંઠા જવા માટે ખાનગી બસ કે સરકારી બસની સુવિધા છે. રેલ માર્ગે પણ ગુજરાતના દરેક મોટા શહેરથી બનાસકાંઠા જઈ શકાય છે. બનાસકાંઠાથી બાલારામ મહાદેવના મંદિરે જવા માટે રિક્ષા કે ટેક્સીની સુવિધા ઉપલબ્ધ છે.