September 20, 2024

કોણ છે બનાસકાંઠાના લોકસભા ઉમેદવાર ડો. રેખા ચૌધરી?

રેખા ચૌધરી - ફાઇલ

અમદાવાદઃ બનાસકાંઠાની લોકસભા સીટ પરથી ડો. રેખાબેન ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે આ 44 વર્ષીય યુવા મહિલા કોણ છે તેના વિશે જાણીએ…

ડો. રેખા ચૌધરીએ M.sc, M.phil, Ph.D (mathematics)નો અભ્યાસ કર્યો છે. તેઓ હાલમાં એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે.

ડો. રેખાબેન ચૌધરી ઉચ્ચ અભ્યાસ કરી છેલ્લા 20 વર્ષથી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે. ડૉ. રેખાબેન બનાસકાંઠાના લાખો પશુપાલકો જેમના કારણે સ્વમાનભેર પોતાનું જીવન જીવી રહ્યા છે, એવા બનાસડેરીના આદ્યસ્થાપક સ્વ. ગલબાભાઈ નાનજીભાઈ પટેલની પૌત્રી છે. ડૉ. રેખાબેન બહેનોના કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ રહી તેમના દાદાનો વારસો પણ સાચવી રહ્યા છે.

ડૉ. રેખાબેનનો પરિવાર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે. ડો. રેખાબેન તથા તેમના પતિ ડૉ. હિતેશ પ્રેમજીભાઈ ચૌધરી ભારતીય જનતા પાર્ટીના વર્ષો જૂના કાર્યકર્તા છે. ડૉ. હિતેશભાઈ ચૌધરી હાલમાં ભારતીય જનતા પાર્ટીની પ્રદેશની ટીમમાં મોરબી જિલ્લા પ્રભારી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે તથા અગાઉ કચ્છ જિલ્લા ભાજપ પ્રભારી, બનાસકાંઠા જિલ્લા ભાજપ મહામંત્રી, યુવા મોરચામાં ત્રણ ટર્મ સુધી પ્રદેશ તેમજ રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ જવાબદારીઓ નિભાવી હતી.

ડો. હિતેશભાઈ ચૌધરી ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય તથા ઉત્તર ગુજરાત ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ તેમજ સિન્ડિકેટ સભ્ય તરીકે રહી ચૂક્યા છે. તેમજ મૂળ વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના કાર્યકર્તા રહ્યા છે તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય વર્ષ શિક્ષિત સ્વયંસેવક છે.