બનાસકાંઠામાં ભારે વરસાદ; પાલનપુરમાં બ્રિજેશ્વર કોલોની બેટ બની, હાઇવે પર ઢીંચણ સમા પાણી
બનાસકાંઠાઃ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. ક્યાંક સ્કૂલ વાહનો અટવાયાં છે તો ક્યાંક પશુપાલકો ફસાયા છે. આ પરિસ્થિતિ ત્યારે તંત્રના અણઘડ વહીવટની ચાડી ખાય છે.
ભારે વરસાદને પગલે દાંતીવાડામાં માર્ગો ધોવાયા છે. દાંતીવાડાથી લક્ષ્મીપુરા અટાલ રોડ તૂટી જતા ગ્રામજનોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. દૂધ ભરાવવા જતા પશુપાલકોની સ્થિતી કફોડી બની છે.
દૂધની બરણીઓ ઉપાડીને જતા પશુપાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. રોડ ધોવાતા બે ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. 10 વર્ષની રજુઆત બાદ પણ રોડનું નિરકારણ ન આવતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. આ મામલે પશુપાલકોએ ધરણાં કરવાની ચીમકી આપી છે.
પાલનપુરમાં 1 ઇંચ વરસાદ ખાબકતા બ્રિજેશ્વર કોલોની વિસ્તાર બેટમાં ફેરવાયો છે. દિલ્હી ગેટથી ધનિયાણા ચોકડી 10 ગામોને જોડતા માર્ગ પર ઢીંચણ સમા પાણી ભરાઈ ગયા છે. જાહેર માર્ગ પર ઢીંચણ સમા પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. પાણી ભરતા અનેક વાહનો પાણીમાં બંધ થયા છે.
ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરમાં આવી રહેલા લોકો ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. શાળા સમયે જ પાણી ભરાતા સ્કૂલ વાહનો પણ અટવાયા છે. ભારે વરસાદે પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી નાંખી છે.