July 6, 2024

ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ, ખેતરો જળબંબાકાર; બાજરી-શાકભાજીનો પાક નિષ્ફળ

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ દક્ષિણ બાદ હવે મેઘરાજે ઉત્તર ગુજરાતને ઘમરોળવાનું શરૂ કર્યું છે. ત્યારે રણની કાંધીને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાને ગઈકાલે મેઘરાજાએ બાનમાં લીધું હતું.

બનાસકાંઠા જિલ્લામાં કયાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ થયો છે. જેમાં લાખણી પંથકમાં એક જ દિવસમાં 11 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતાં અનેક વિસ્તારો બેટમાં ફેરવાયાં છે. ખેતરો જળબંબાકાર થઈ ગયા છે. જેને લઈ આ વિસ્તારમાં પ્રથમ વરસાદ ખેડૂતો માટે આફત બનીને વરસ્યો છે. કેટલાક ખેડૂતોના ખેતરોમાં બાજરી સહિતનો પાક તૈયાર થયેલો હતો, તે પલળી ગયો છે અને તેમને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

શાકભાજીનું વાવેતર કરનારા ખેડૂતોને ભીંડા, ગવાર સહિતના પાકમાં પણ વરસાદી પાણી ભરાતા ખેડૂતોને પારાવાર નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. લાખણી પંથકમાં ખેતરો હોય કે રસ્તા તમામ જગ્યાએ પાણી ભરાયાં છે. જેને લઇ આ વિસ્તારના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યાં છે. ત્યારે ખેડૂતોની માગ છે કે સરકાર દ્વારા સરવે કરી સહાય ચૂકવવામાં આવે.