ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ, નવી જંત્રીના ભાવ પ્રમાણે વળતર ચૂકવવા ખેડૂતોની માગ
રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ જિલ્લામાંથી પસાર થતા ભારતમાલા પ્રોજેક્ટને લઈને ખેડૂતો ઠેર ઠેર જગ્યાએ વિરોધ પ્રદર્શન કરતા જોવા મળી રહ્યા છે. કારણ કે જે પ્રમાણે સરકારે ખેડૂતોની જમીન પરથી ભારત માલા પ્રોજેક્ટ પસાર કર્યો છે, તેનું વળતર ખેડૂતોને જૂની જંત્રી પ્રમાણે મંજૂર કર્યું છે. પરંતુ ખેડૂતોની માગ છે કે સરકાર દ્વારા નવા જંત્રી પ્રમાણે ખેડૂતોને ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન કપાય છે, તે પ્રમાણે વળતર આપવામાં આવે. જેને લઈ ડીસા નાયબ કલેક્ટરને અને દિયોદર પ્રાંત કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
બનાસકાંઠા જિલ્લામાંથી કેન્દ્ર સરકારની યોજના થકી ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત રોડ પસાર થઈ રહ્યો છે. ભારતમાલા પ્રોજેક્ટમાં અનેક ખેડૂતોની જમીન કપાઈ રહી છે. ખેડૂતોની જમીન ભારતમાલા પ્રોજેક્ટમાં સરકારએ સંપાદન કરી હોવા છતાં સરકારે યોગ્ય વળતર ન આપતા હવે ખેડૂતો ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ દર્શાવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં ભારતમાલા પ્રોજેક્ટનો રસ્તો પસાર થયો છે અને આ રસ્તાના કારણે અનેક ખેડૂતોની મોંઘા ભાવની જમીન કપાય છે.
સરકારે જમીનના જંત્રીના ભાવ નક્કી કર્યા છે, તેમાં યોગ્ય વળતર ન મળતું હોવાના કારણે ખેડૂતો હવે વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોની માગણી છે કે, સરકાર 2025માં જે નવા જંત્રીના ભાવ જાહેર કરવાના છે, એ મુજબ ખેડૂતોને વળતર આપે. જેને લઈને બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં ખેડૂતોએ વળતરને લઈ આવેદનપત્રો આપ્યા હતા. જેમાં દિયોદર, કાંકરેજ વિસ્તારના અનેક ગામના ખેડૂતો ભેગા થઈ ડીસા નાયબ કલેકટરને અને દિયોદર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.
ખેડૂતોએ રજૂઆત કરી હતી કે, સરકાર અત્યારે અમારા વિસ્તારની મોંઘા ભાવની જમીન ભારતમાલા પ્રોજેક્ટમાં ઉપયોગ કરી જૂના જંત્રીના ભાવ પ્રમાણે વળતર ચૂકવવાની વાત કરે છે, પરંતુ અમારા ખેડૂતો મોટાભાગે પશુપાલન અને ખેતી ઉપર નિર્ભર છે. ત્યારે સરકાર ખેડૂતોને નવી જંત્રી પ્રમાણે વળતર આપે તેવી ખેડૂતોએ માગ કરી હતી અને જો આગામી સમયમાં ખેડૂતોની માગ સરકાર દ્વારા નહીં સ્વીકારવામાં આવે તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.