January 4, 2025

બનાસકાંઠા: સ્વતંત્રતા દિવસે જ શાળામાં અનુસૂચિત જાતિના બાળકો સાથે ભેદભાવ

બનાસકાંઠા: ભારતમાં ત્રણ દિવસ પહેલા જ 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી છે પરંતુ હજુ પણ દેશના ઘણા ગામડાઓમાં જાતિના દુષણથી આઝાદી મળી નથી. 21મી સદીમાં માણસ ચંદ્ર સુધી પહોંચી ગયો છતાં પણ જાતિનું દૂષણ હજુય સમાજમાં યથાવત છે. આવો જ એક કિસ્સો લાખણી તાલુકાના ખેરોલા ગામની લાલપુરા પ્રાથમિક શાળામાં બની છે. જ્યાં એક ચોક્કસ જ્ઞાતિના બાળકોને શાળામાં અલગ બેસાડવામાં આવે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બનાસકાંઠાના લાખણી તાલુકાના ખેરોલા ગામની લાલપુરા પ્રાથમિક શાળામાં આ ઘટના સામે આવી છે. જ્યાં અનુસૂચિત જાતિની મહિલાને જાતિ અપમાનિત શબ્દો બોલી અપમાન કરાતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. લાલપુરા પ્રાથમિક શાળાના આચાર્ય પર ફરિયાદીએ આરોપ લગાવ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.

આ ઘટનાને લઈ કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં શાળામાં મધ્યાહન ભોજન સમયે અનુસૂચિત જાતિના બાળકો સાથે ભેદભાવ રખાતો હોવાના આક્ષેપ એખ વિદ્યાર્થિનીએ કર્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક જાગૃક નાગરિક દ્વારા નાની બાળાને પૂછવામાં આવે છે કે, શું તમને શાળામાં મધ્યાહન ભોજન દરમિયાન અલગ-અલગ બેસાડવામાં આવે છે ત્યારે આ નાની બાળા કેમેરા સામે કહે છે કે તેમને અલગ-અલગ બેસાડવામાં આવે છે. ત્યાં જ શાળા શિક્ષક દ્વારા ઓન કેમેરા જાતિ વિષયક શબ્લો બોલતા સાંભળી શકાય છે.

આ મામલે શાળાના આચાર્ય દક્ષેશ ભાવસાર સહિત પાંચ વિરુદ્ધ SC ST એક્ટ મુજબ ગુનો નોંધાયો છે. આગથળા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.