બનાસકાંઠાના ધાનેરામાં પાણીના તળ નીચે જતા ખેડૂતો ચિંતામાં, હિજરત કરવાનો વારો આવે તેવી સ્થિતિ

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ ધાનેરા તાલુકાના ગામડાઓમાં દિવસેને દિવસે પાણીના તળ નીચે જતા ખેડૂતો હવે ચિંતામાં મુકાયા છે. ખેડૂતોને ખેતી અને પશુપાલન કરવા માટે પૂરતું પાણી ન મળતાં ખેડૂતો હવે ખેતી અને પશુપાલન છોડી રહ્યા છે. ધાનેરા વિસ્તારના ખેડૂતોને ખેતી અને પશુપાલનની સાથે સાથે પીવાનું પાણી પણ ન મળતા હવે હિજરત કરવાનો વારો આવે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે સરકાર દ્વારા આ વિસ્તારમાં પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લો મુખ્યત્વે ખેતી અને પશુપાલન આધારિત જિલ્લો છે. બનાસકાંઠા જિલ્લામાં ખાસ કરીને સરહદી વિસ્તાર ધાનેરા, વાવ, થરાદ, સુઈગામ, જેવા અનેક વિસ્તારમાં દિવસેને દિવસે પાણીના તળ નીચે જઈ રહ્યા છે અને ખેડૂતો હવે ખેતી અને પશુપાલન છોડી રહ્યા છે.

ખાસ કરીને જો વાત કરવામાં આવે ધાનેરા તાલુકાના ગામડાઓની તો ધાનેરા તાલુકાના મેવાડા, રાજોડા, આલવાડા, ખીંમત, ઋણી, ડેઢા, તબાવડી, શેરા, રવિયા કોટડા સહિતના ગામડાઓમાં ખેતી અને પશુપાલન કરવા માટે પાણી તો ઠીક છે. પરંતુ પીવા માટે પણ પાણી મળતું નથી. જેથી આ ગામના લોકો હવે ચિંતામાં મુકાયા છે અને ખેતી અને પશુપાલન છોડી ઘર બહાર મૂકી હિજરત કરી રહ્યા છે.

આ વિસ્તારના ખેડૂતો જણાવ્યું હતું કે, પહેલા અમે ખેતી અને પશુપાલન સારી રીતે કરી શકતા હતા અને અમારું ગુજરાન ચલાવતા હતા. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારમાં દિવસેને દિવસે પાણીના તળ નીચે જઈ રહ્યા છે. જેના કારણે અમે ખેતી અને પશુપાલન કરી શકતા નથી અને ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી પીવાનું પણ પાણી મળતું નથી તેથી હવે અમારે જીવવું તો જીવવું કેવી રીતે?

ધાનેરા તાલુકાના મોટાભાગના ગામડાઓના ખેડૂતો પાણી માટે ટળવળી રહ્યા છે. ખેડૂતો પહેલા ખેતી અને પશુપાલન કરી શકતા હતા. પરંતુ હવે દિવસેને દિવસે પાણીના તળ નીચે જવાને કારણે ખેડૂતો ખેતી અને પશુપાલન કરી શકતા નથી. આ સાથે વિસ્તારના લોકોને પીવાનું પાણી પણ ન મળતા આ વિસ્તારના 50થી 60 ખેડૂતો હવે ખેતી અને પશુપાલન છોડી ગામડાઓ ખાલી કરી અન્ય વિસ્તારોમાં રહેવા જવા માટે મજબૂર બન્યા છે.