January 7, 2025

ધાનેરામાં ઇન્સ્ટાગ્રામ આઇડી મામલે હુમલો, પાંચનું ટોળું બે લોકો પર તૂટી પડ્યું

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ અનેક વખત સોશિયલ મીડિયા બબાલનું કારણ બનતું હોય છે. ત્યારે ધાનેરાના વાલેર ગામમાં પણ આવી જ એક ઘટના બની છે. જેમાં ઇન્સ્ટાગ્રામ આઇડીને કારણે હુમલો કરવામાં આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, ધાનેરાના વાલેર ગામે ઈન્સ્ટાગ્રામ આઇડીમાં સરનેમ લખવા બાબતે હીંચકારો હુમલો થયો છે. સાંજે 7 વાગે બસ સ્ટેન્ડ પાસે પાંચ લોકોએ ભેગા મળીને હુમલો કરતા બે લોકો ઈજાગસ્ત થયા છે. તેમને તાત્કાલિક સારવાર માટે ધાનેરા રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પાંચ લોકો ભેગા મળીને બે લોકો પર તૂટી પડતા થોડીવાર માટે બસ સ્ટેન્ડ પાસે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ લાવવામાં આવતા લોકોનાં ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ મામલે ઇજાગ્રસ્તના પરિવારે પોલીસને જાણ કરી હતી. તો પોલીસે સમગ્ર મામલે પ્રાથમિક તપાસ હાથ ધરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.