December 22, 2024

ધાનેરાના ખીંમત ગામે ગમખ્વાર અકસ્માત, ત્રણ યુવકોનાં મોત

બનાસકાંઠાઃ જિલ્લામાં મોડી રાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ધાનેરાના ખીંમત ગામ પાસે રાતે ફોર્ચ્યુનર ગાડી અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇકસવાર ત્રણ યુવકોનાં મોત નીપજ્યા છે.

મળતી માહિતી પ્રમાણે, બાઈક પર 4 યુવાનો જઈ રહ્યા હતા. તેમાંથી 3 યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ખીંમત ગામેથી નવરાત્રિ જોઈ યુવકો ગામ ઘાડા પરત ફરી રહ્યા હતા, તે સમયે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાયેલી ફોર્ચ્યુનર કારમાં દારૂની બે બોટલ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

અકસ્માત બાદ ફોર્ચ્યુનરનો ગાડીચાલક કાર ત્યાં જ મૂકી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ પાંથાવાડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતકોનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. આ ઉપરાંત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.