January 22, 2025

ડીસા પાલિકા પ્રમુખનું રાજીનામું, ભારે વિવાદ બાદ લીધો નિર્ણય

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ છેલ્લા ચાર માસથી વિવાદમાં રહેલી ડીસા નગરપાલિકાના વિવાદનો અંત આવ્યો છે. ડીસા નગરપાલિકાના પ્રમુખ છેલ્લા ચાર માસથી વિવાદમાં હતા અને તેમણે આજે રાજીનામું ધરી દીધું હતું. જો કે, પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે ડીસા ધારાસભ્ય પ્રવીણ માળી અને તેના મળતીયા ઉપર આરોપ લગાવ્યા છે, તો ભાજપ શાસિત કોર્પોરેટરો પ્રમુખના સંકલનમાં ન હોવાથી આ રાજીનામું આપવું પડ્યું છે. તેવા સામસામે આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે સંગીતાબેન દવેએ અધિક કલેક્ટરને રાજીનામું સોંપી દીધું છે.

15 માસ અગાઉ ડીસા નગરપાલિકાના પ્રમુખ પદે સંગીતાબેન દવેને ભાજપે મેન્ડેડ આપી અને તેની વરણી કરી હતી. જો કે, પ્રમુખ પદનો ચાર્જ સંભાળ્યો તે જ દિવસે ભાજપના જ સભ્યોએ તેમનો વિરોધ કર્યો હતો અને ત્યારબાદ આ વિખવાદ ચાલી રહ્યો હતો. ત્રણ માસ અગાઉ પણ 13 સમિતિના ચેરમેનોએ રાજીનામાં આપી દીધા હતા અને ત્યારબાદ આ વિવાદ વધ્યો હતો. ગઈકાલે 22 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત કરી હતી અને પક્ષના આદેશ બાદ આજે પ્રમુખ પદેથી અને સભ્ય પદેથી સંગીતાબેન દવે રાજીનામું આપી દીધું હતું. સંગીતાબેન દવે રાજીનામું આપ્યા બાદ કહ્યું હતું કે, મારા રાજીનામાનું કારણ ડીસા ધારાસભ્ય પ્રવીણ માળી છે. પ્રવીણ માળી અને એમના મળતીયાઓ દ્વારા તેમને હેરાન પરેશાન કર્યા હતા. ખોટા કામો માટે દબાણ કરાતું હતું અને જેને લઈને તેમણે રાજીનામું આપી દીધું છે.

ડીસા પ્રમુખ સંગીતાબેન દવેના રાજીનામા બાદ બ્રહ્મ સમાજના આગેવાને પણ ભાજપની નીતિ સામે આક્ષેપ કર્યા હતા. પાલનપુર નગરપાલિકામાં હેતલબેન રાવલને પણ પ્રમુખ પદેથી અધવચ્ચેથી ઉતારી દેવાયા હતા. જ્યારે આજે સંગીતાબેન દવેને પણ પ્રમુખ પદેથી અધવચ્ચેથી ઉતારી દેવાયા છે, એટલે બ્રાહ્મણ સમાજની મહિલાઓ પ્રમુખ તરીકે હોય અને તેનો વિરોધ કરાવી અને તેમને હોદ્દા પરથી ઉતારી દેવાય છે. જેને લઈને બ્રહ્મ સમાજ પણ નારાજ છે, આગામી સમયમાં બ્રહ્મ સમાજના આગેવાનો મુખ્યમંત્રીથી લઈ પ્રદેશ પ્રમુખ સુધી રજૂઆત કરશે.